ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મલાડના મેદાનને ટીપુ સુલતાનનું નામ આપવાનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. ટીપુ સુલતામ નામ આપવાનારા ભાજપ સામે હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે નિશાન સાધ્યું છે. ગુરુવારે મલાડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાના મુદ્દે આક્રમક બનેલા ભાજપના નેતાઓને નિશાના પર લેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો ભાજપ ટીપુ સુલતાનના નામનો વિરોધ કરશે તો તેમને પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી રાજીનામું માગવું પડશે. રામનાથ કોવિંદે કર્ણાટક વિધાનસભામાં ટીપુ સુલતાનના વખાણ કર્યા હતા. તેમણે ટીપુ સુલતાનને એક મહાન યોદ્ધા અને પ્રશાસક ગણાવ્યા હતા.
સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા સમયે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું આ મુદ્દે ભાજપ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પણ રાજીનામું માંગશે? ટીપુ સુલતાનના નામ પર રાજકારણ કરવા બદલ ભાજપ પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. ટીપુ સુલતાનનું શું કરવું તે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરશે. યાદ રાખો, તમે ઇતિહાસના ઠેકેદાર નથી. આપણે ટીપુ સુલતાન, શ્રીરંગા પટ્ટનમ, હૈદર અલી વિશે પણ જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈએ શું ખોટું કર્યું છે. પરંતુ ભાજપ જૂના ઈતિહાસને ભૂંસી નાખી નવો ઇતિહાસ રચવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં શું થઈ રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે.
દક્ષિણ મુંબઈના તાડદેવની આગની દુઘર્ટનામાં મૃત્યુઆંક થયો આઠ, આટલા લોકો હજુ ગંભીર હાલતમાં; જાણો વિગત
ભાજપે ચેતવણી આપી હતી કે જો મલાડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ટીપુ સુલતાન નામ આપવાનો નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં આગ લગાવી દેવામાં આવશે. આ મુદ્દે રાજ્યભરમાં આંદોલન ભડકાવવાની આ ભાષા કોણ કરી રહ્યું છે તે આપણે જાણીએ છીએ એવો કટાક્ષ પણ સંજય રાઉતે કર્યો હતો. જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં રમખાણો કરીને બતાવો, યાદ રાખો કે અહીં ઠાકરેની સરકાર છે, એવી ચેતવણી પણ સંજય રાઉતે આપી હતી.