News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે શિયાળાની વિદાય ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનાં પગરણ થઈ રહ્યાનું હવામાન સર્જાયુ છે. હવામાન ડેટા દર્શાવે છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય 31.7 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હતું.
IMD સાંતાક્રુઝ વેધશાળામાં સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને કેટલાક હવામાન નિરીક્ષકોએ જણાવ્યું હતું કે તે મહિના માટે સર્વકાલીન ઉચ્ચ તાપમાન છે. શહેરમાં ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત જેવી ગરમીનો અહેસાસ મુંબઈગરાઓને આ ફેબ્રુઆરીના પ્રથમ થોડા દિવસોમાં થવા લાગ્યો હતો. શહેરમાં આ વર્ષે ફેબ્રુઆરીના સૌથી ગરમ દિવસનો કોઈ રેકોર્ડ બનાવ્યો ન હતો, જોકે, 18 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ તાપમાન 37.9 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે 25 ફેબ્રુઆરી, 1966ના રોજ સૌથી વધુ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ હતું.
આ સમાચાર પણ વાંચો : હોટલની ભૂલથી અમેરિકામાં ફસાયા 42 બ્રિટિશ વિદ્યાર્થીઓ, શું છે આખો મામલો?
બુધવારે સામાન્ય કરતાં વધુ તાપમાન સાથે માર્ચની શરૂઆત થઈ હતી. IMD કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળાઓમાં નોંધાયેલ મહત્તમ તાપમાન અનુક્રમે 32.2 ડિગ્રી સેલ્સિયસ અને 33.5 ડિગ્રી સેલ્સિયસ હતું. કોલાબા અને સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ અને 19.5 ડિગ્રી સેલ્સિયસ હતું.
IMDના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશને આગામી ગરમીના દિવસો માટે પોતાને તૈયાર કરવાની જરૂર છે કારણ કે મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોમાં માર્ચથી મે દરમિયાન ગરમી વધવાની શક્યતા છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, 1901માં રેકોર્ડ-કીપિંગ શરૂ થયા પછી ભારતે આ વર્ષે સૌથી ગરમ ફેબ્રુઆરી નોંધાવ્યો હતો.