ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
હાલમાં મુંબઈ ક્રુઝ પર થયેલી રેવ પાર્ટી પર છાપો મારીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું છે. આર્યન ખાન સહિત અનેક યુવકોની ધરપકડ થઈ છે. રાજ્યમાં ગત વર્ષે પણ ૪૨થી વધુ ઠેકાણે છાપેમારી કરીને બોલીવુડ અને ઉદ્યોગ જગતમાં વધતા ડ્રગ્સના રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. આ ગુના વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શું ઊંઘી રહ્યા છે ? એવો પ્રશ્ન મુંબઈ ભાજપના પ્રભારી અને કાંદિવલી પૂર્વના એમએલએ અતુલ ભાતખળકરે કર્યો છે.
મુંબઈ શહેરમાં નશીલા પદાર્થોની તસ્કરીનું કૃત્ય ખુલ્લેઆમ થાય છે. મુંબઈ પોલીસના એનસીબીએ ડ્રગ્સ ઉત્પાદન અને તેની તસ્કરીના વિરોધમાં જોરદાર કાર્યવાહી કરવાની જરૂર છે પણ રાજ્યના ગૃહ વિભાગે હોટલો અને બાર વિરુદ્ધ કાર્યવાહી કરીને સંતોષ માની લીધો છે. એટલું જ નહિ કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને અન્ય પ્રવક્તાઓ આર્યન ખાનના પક્ષમાં બોલીને ડ્રગ્સના સેવનને સમર્થન આપી રહ્યાં છે. તેવું અતુલ ભાતખળકરે કહ્યું હતું.
પ્રિયંકા ગાંધી પર ડ્રોન કેમેરાની નજર, સતત માથે ઉડી રહ્યો છે અજ્ઞાત કેમેરો; જાણો વિગતે
જ્યારથી મહા વિકાસ આઘાડી સરકાર સત્તામાં આવી છે ત્યારથી મુંબઈમાં ગુના વધી રહ્યા છે. હત્યા, બળાત્કાર, વેપારીઓને ખંડણી માટે ધમકીઓ મળે છે, અપહરણ વગેરેની ઘટનાઓ વધી રહી છે. મુખ્યમંત્રીએ ડ્રગ્સના ખુલ્લેઆમ વેંચાણ અને ગુનાઓ ઓછા કરવા પર વિશેષ ધ્યાન આપવાની સલાહ અતુલ ભાતખળકરે આપી હતી.