ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
મુંબઈ શહેર પર આવેલા વાવાઝોડાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ અગમચેતીના પગલારૂપે બાંદ્રાનું કોવિડ સેન્ટર બંધ કર્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેના તંબુ અને શામિયાણા ખોલી નાખ્યા હતા. માત્ર અમુક બાંધકામનો સામાન રાખવામાં આવ્યો હતો. હવે જ્યારે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે ત્યારે થયેલું નુકસાન દેખાઈ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના આ વેક્સિન સેન્ટર પર અત્યારે કાગડા ઊડે છે. વેક્સિન સેન્ટર પર જે નાનો-મોટો સામાન રાખવામાં આવ્યો હતો એને વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે આખા વેક્સિન સેન્ટરને નવેસરથી બાંધવું પડશે. આ પરિસ્થિતિમાં બાંદ્રાનું વેક્સિન સેન્ટર તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય એવું લાગતું નથી. આ સેન્ટરને શરૂ કરતાં તૈયારી સ્વરૂપે થોડોક સમય લાગશે. વાવાઝોડાને કારણે મુંબઈનાં અન્ય વેક્સિન સેન્ટરોને પણ નુકસાન પહોંચ્યું છે.