ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
આખા મુંબઈમાં હાલ કોરોના ના કુલ જેટલા એક્ટિવ કેસ છે તેના 25% કેસ છે માત્ર બોરીવલી કાંદિવલી અને મલાડમાં છે. એવું કહેવું અતિશયોક્તિ નહીં રહે કે ઉત્તર મુંબઈ કોરોના ની નાગચૂડમાંથી હજી પૂરી રીતે બહાર આવી શક્યું નથી. મહાનગરપાલિકાના 2 ફેબ્રુઆરી ના રિપોર્ટ મુજબ આખા મુંબઇમાં અત્યારે કુલ 5528 કોરોનાના એક્ટિવ કેસ છે. આમાંથી કુલ 1500 થી વધુ કેસ માત્ર ઉત્તર મુંબઈના છે. મુંબઈ શહેરમાં ટોચ ઉપર બોરીવલી વિસ્તાર છે જ્યાં 403 એક્ટિવ કેસ છે, આ સૂચિમાં ત્રીજા ક્રમ પર કાંદીવલી આવે છે જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા 342 છે, બીજી તરફ મલાડ વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 340 છે જે મુંબઈમાં ચોથા ક્રમનો સૌથી ખરાબ રેકોર્ડ છે. આમ એક્ટિવ કેસના મામલામાં પ્રથમ તૃતીય અને ચતુર્થ ક્રમ ઉપર ઉત્તર મુંબઈ છે.દહીસર ની પરિસ્થિતિ હાલ બહેતર છે અહીં માત્ર 178 પોઝિટિવ કેસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી વધારે સીલ બિલ્ડીંગ ના મામલે પણ બોરીવલી અને કાંદીવલી ટોચ પર છે.બોરીવલીમાં 233 જ્યારે કાંદિવલીમાં 183 ઇમારતો અત્યારે સીલ અવસ્થામાં છે. આજની પરિસ્થિતિમાં મુંબઈ શહેરનો આ સૌથી ખરાબ રેકોર્ડ છે. રાહતની વાત એ છે કે ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ ચાલીઓ માં કોરોના કાબુમાં આવ્યો છે.
આ સમસ્ત આંકડાઓથી એક વાત સાબિત થાય છે કે ઉત્તર મુંબઈમાં રહેતા લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
