News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ એકસાથે લડેલી બેસ્ટ પતપેઢીની ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. 21 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં, શશાંક રાવના નેતૃત્વ હેઠળના પેનલે 14 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે મહાયુતિના ‘સહકાર સમૃદ્ધિ પેનલ’ને 7 બેઠકો પર જીત મળી. આશ્ચર્યજનક રીતે, ‘ઠાકરે બ્રાન્ડ’ના ‘ઉત્કર્ષ પેનલ’ને એક પણ બેઠક મળી શકી નહીં, જેના કારણે તેમને મોટો ઝટકો લાગ્યો છે.
નિષ્ફળતાનું કારણ: અતિઆત્મવિશ્વાસ અને બેદરકારી
અનેક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ પરાજય પાછળનું મુખ્ય કારણ ઉદ્ધવ ઠાકરે જૂથનો અતિઆત્મવિશ્વાસ અને બેદરકારી છે. ‘ઉત્કર્ષ પેનલ’ની રચના ઉતાવળમાં કરવામાં આવી હતી. રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવવાથી મતદારો આપોઆપ પોતાના પક્ષમાં આવશે તેવો ભ્રમ ઠાકરે જૂથના નેતાઓને હતો. પરંતુ જમીની સ્તરે પૂરતું કામ ન થવાને કારણે આ ‘બ્રાન્ડ’ને કારમો પરાજય મળ્યો. વિપક્ષે પ્રચારમાં વર્તમાન સંચાલક મંડળ પરના ગેરરીતિના આરોપોને જોરશોરથી ઉઠાવ્યા, પરંતુ ઠાકરે જૂથના નેતાઓ ગાફિલ રહ્યા.
આ સમાચાર પણ વાંચો : BEST Election: ચૂંટણી પરિણામ: રાજ ઠાકરે નહીં, નિશાન પર ફક્ત ઉદ્ધવ ઠાકરે; જાણો બેસ્ટ પત પેઢીની ચૂંટણી પછી ‘સેનાભવન’ ની બહાર શું બન્યું
આંતરિક નારાજગી અને ગેરવ્યવસ્થા પણ જવાબદાર
આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની ‘બેસ્ટ કામગાર સેના’ અને મનસે દ્વારા કુલ 21 બેઠકો માટે ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. જોકે, આ માટે 77 લોકો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 21 લોકોને જ તક મળી. આનાથી ઘણા નારાજ ઉમેદવારો પેનલની વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જે પરાજયનું એક મુખ્ય કારણ બની શકે છે. આંતરિક વિખવાદ અને ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળના કારણે આ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે.
રાજ ઠાકરેને ઓછો ફટકો, ઉદ્ધવ ઠાકરેને વધુ નુકસાન
આ ચૂંટણીમાં ‘ઉત્કર્ષ પેનલ’માં ઉદ્ધવ ઠાકરે જૂથના 19 ઉમેદવારો હતા, જ્યારે મનસેના ફક્ત બે ઉમેદવારો હતા, કારણ કે બેસ્ટમાં મનસેનું સંગઠન ખાસ મજબૂત નથી. આ કારણે ચૂંટણીની મોટાભાગની જવાબદારી ઉદ્ધવ ઠાકરે જૂથ પર હતી. જોકે, તેમના નેતાઓની બેદરકારી અને તૈયારીના અભાવે આ ઐતિહાસિક ગઠબંધનને પ્રથમ જ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.