ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
રવિવાર 15 ઑગસ્ટથી વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને લોકલમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. એથી રવિવારથી રેલવે સ્ટેશનોની બહાર મોટી ભીડ થવાની શક્યતા છે. એને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે રેલવે સ્ટેશન બહાર આવનારા પ્રવાસીઓ માટે ફિડર રૂટ (ઓછા અંતર પર દોડતી બસ) ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
લોકલ ટ્રેન બાદ બેસ્ટને મુંબઈગરાની બીજી લાઇફલાઇન માનવામાં આવે છે. લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ પર પ્રતિબંધ હોવાથી બેસ્ટમાં હાલ પ્રતિદિન 23 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એમાંથી 60 ટકા પ્રવાસીઓ ઓછા અંતર માટે પ્રવાસ કરતા હોય છે. મુખ્યત્વે રેલવે સ્ટેશનથી ઘર અને રેલવે સ્ટેશનથી ઑફિસનો પ્રવાસ કરતા હોય છે. લોકલ ટ્રેન બંધ હોવાથી બેસ્ટે ફિડર રૂટ બંધ કર્યા હતા. ફક્ત અમુક સ્ટેશનો પર જ આ સર્વિસ ઉપલબ્ધ હતી. જોકે રવિવારથી વેક્સિનેટેડ લોકો માટે લોકલ ફરી ખુલ્લી મૂકવામાં આવનાર છે. એથી ફિડર રૂટની બસ પણ ફરી ચાલુ થશે.