News Continuous Bureau | Mumbai
મુંબઈના પૂર્વ ઉપનગર ભાંડુપ વેસ્ટમાં આવેલા ડ્રીમ્સ મોલમાં ગત શુક્રવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. માંડ દસ કલાકે નિયંત્રણમાં આવેલી આગની દુર્ઘટનાના કારણની તપાસ ફાયરબ્રિગેડ કરવાની છે, ત્યારે ભુતપુર્વ સ્થાનિક નગરસેવિકાએ ડ્રીમ મૉલમાં ગર્દુલાઓએ કબજો જમાવી દીધો હોઈ તેઓ આ આગ માટે જવાબદાર હોઈ શકે છે એવો દાવો કર્યો છે.
ઘટનાની જાણ થતા જ ભાજપના વોર્ડ નંબર 112ના ભૂતપૂર્વ નગરસેવિકા સાક્ષી દળવી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બંધ મોલમાં આગ કેવી રીતે લાગી તે અંગે પૂછવામાં આવતા ભૂતપૂર્વ નગરસેવિકાએ કહ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલા આ મૉલમાં આવેલી હૉસ્પિટલમાં ૨૫ માર્ચના આગ ફાટી નીકળી હતી. આગની દુર્ઘટનામાં ૧૧ના મોત થયા હતા. ત્યારથી ડ્રીમ મૉલ બંધ જ છે. જોકે આ દરમિયાન મૉલમાં ગેરકાયદે રીતે ગર્દુલાઓએ અંડિગો જમાવી દીધો છે, તેથી કદાચ આ આગ લાગી હોઈ શકે એવી શંકા તેમણે વ્યક્ત કરી છે. સાથે જ તેમણે આગની દુર્ઘટનાની તપાસ કરવાની માગ કરી છે.
આ સમાચાર પણ વાંચો : કંદહાર વિમાન હાઇજેક કાંડમાં સામેલ આતંકવાદીની હત્યા, ખોટી ઓળખ હેઠળ ‘આ’ દેશમાં જીવન ગુજારી રહ્યો હતો ભારતનો દુશ્મન
ઉલ્લેખનીય છે કે આ જ મોલમાં 25 માર્ચ, 2021ના રોજ સનરાઈઝ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગના ધુમાડાને કારણે 9 લોકોના મોત થયા હતા. તેમજ તે હોસ્પિટલમાં દાખલ 2 કોવિડ દર્દીઓના પણ કમનસીબે મોત થયા હતા. ત્યારબાદ આગની તપાસ કરવામાં આવી હતી. ત્યારથી આ મોલ બંધ જ છે. આ દુર્ઘટનાને વર્ષ થવાનું છે ત્યારે જ બરોબર મૉલમાં અચાનક ફરી આગ ફાટી નીકળી હતી. શુક્રવારે સાંજે લાગેલી આગ છેક 10 કલાકે શનિવારે વહેલી સવારના 4.56 વાગે નિયંત્રણમાં આવી હતી.