News Continuous Bureau | Mumbai
મલાડ વેસ્ટ માઇન્ડસ્પેસ ગાર્ડન છોડ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓનું ઘર છે. ઘણા પર્યાવરણવાદીઓ અને પક્ષી નિરીક્ષકોએ આ વિસ્તારમાં દુર્લભ પ્રજાતિઓની નોંધ લીધી છે, ખાસ કરીને બગીચાની નજીક દક્ષિણપશ્ચિમ કિનારે ખાડી નજીક ફ્લેમિંગો. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર ઉદ્યાન ઉર્ફે માઇન્ડસ્પેસ ગાર્ડન ખાતે બે ટાવર બાંધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની દરખાસ્તને શરતી મંજૂરી આપી છે. જેથી પક્ષી નિરીક્ષકો અને સંશોધકો, પર્યાવરણવિદો તેમજ સામાન્ય મુંબઈવાસીઓ યાયાવર પક્ષીઓને નિહાળી શકે. વિદ્યા ઠાકુર, ધારાસભ્ય અસલમ શેખ, પૂર્વ કોર્પોરેટર દીપક ઠાકુર અને પી સાઉથ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર રાજેશ અકરેએ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ કર્યો હતો.
મદદનીશ ઈજનેર નિશા દળવીએ માહિતી આપી છે કે આ ટ્વીન ટાવર ઉભા કરતી વખતે, પ્રસ્તાવિત બાંધકામ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશનની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું કે, પાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન, સુએજ ટ્રીટમેન્ટ અને શૌચાલયની હાલની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે અને એલઇડી લાઇટથી પક્ષીઓને ખલેલ ન પહોંચે તેની કાળજી રાખીને ટકાઉ ઉર્જાનો ઉપયોગ કરવા માટે ટાવર પર સોલાર પેનલ પણ લગાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથને આપ્યો ઝટકો, હવે આ તારીખે થશે ફરી સુનાવણી; જાણો આજે શું થયું કોર્ટમાં
રાજેશ અકરેએ જણાવ્યું હતું કે આ ટાવર પક્ષીનિરીક્ષણમાં વધારો કરશે અને સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવશે તેમજ દુર્લભ પક્ષીઓ પ્રત્યે લોકોનો રસ પણ વધશે અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવશે. આ કાર્યક્રમનું આયોજન ALM માઇન્ડસ્પેસ મલાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો અને કોન્ટ્રાક્ટર જુગલકિશોર માળી ઉપસ્થિત રહ્યા હતા.