ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મંગળવાર
મુંબઈ,16 જૂન 2021
થાણેમાં રસ્તા પર 12 ફૂટ ઊંડો ખોદી મૂકેલો ખાડો 26 વર્ષના યુવક માટે જીવલેણ બની ગયો હતો. મંગળવારે દીવા રહેતો યુવક તેની બાઈક પરથી જઈ રહ્યો હતો. એ સમયે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેડબરી જંકશન પાસે તેની બાઈક સ્કીડ થઈને આ પાણી ભરેલા આ ખુલ્લા ખાડામાં પડી ગઈ હતી. જેમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું.
આખરે સ્કૂલ ફી સંદર્ભે ભાજપના ધારાસભ્ય કોર્ટમાં પહોંચ્યા, કોઈક તો આગળ વધ્યું
થાણે પોલીસના જણાવ્યા મુજબ પ્રસાદ દેઉલકર નામનો યુવક આગલી રાતે તેના સંબંધીના ઘરે રહ્યો હતો. બીજા દિવસે સવારે તે બાઈક પર તેના ઘરે પાછો ફરી રહ્યો હતો. તે સમયે પાણી ભરેલા ખુલ્લા ખાડામાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તેની બાઈક 12 ફૂટ ઊંડા ખાડામાં આખી ડૂબી ગઈ હતી. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બે કલાકે તેને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. તેના માથા પર માર લાગ્યો હોવાથી તે બેહોશ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેનું મૃત્યુ થયુ હતું. આ ખાડો લાંબા સમયથી ખોદી મૂકવામાં આવ્યો હતો. થાણે પાલિકા કમિશનરે ચોમાસા પહેલા રસ્તાના તમામ કામ પૂરા કરવાનો આદેશ આપ્યો હતો. છતાં આ ખાડો પૂરવામાં આવ્યો નહોતો અને પાલિકાની બેદરકારીનો ભોગ યુવક બન્યો હતો.