ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાની આગામી 2022ની ચૂંટણી અગાઉ કરવામાં આવેલી વોર્ડની પુન: રચનાને રાજ્યના ચૂંટણી પંચે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. હવે નવા વોર્ડની પુનર્રચનામાં ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેથી મુંબઈ મહાનગરપાલિકામાં હવે 227ને બદલે 236 વોર્ડ હશે. વધારવામાં આવેલા 9 વોર્ડમાંથી 6 વોર્ડ શિવસેનાના ગઢ ગણાતા વિસ્તારમાં છે, તેથી ભાજપે તેની સામે વિરોધ નોંધાવ્યો છે.
વોર્ડના નવા સીમાંકન નકશો જાહેર કરવામાં આવ્યો છે, તેની માટે વાંધા અને સૂચનો લેવાશે. નવા બનેલા વોર્ડમાંથી ત્રણ તળ મુંબઈ, ત્રણ વેસ્ટર્ન સર્બબ અને ત્રણ ઈસ્ટર્ન સર્બબમાં વધશે. તળ મુંબઈમાં વરલી, પરેલ અને ભાયખલા, તો વેસ્ટર્નમાં બાંદરા, અંધેરી, દહિસર અને પૂર્વમાં કુર્લા, ચેમ્બુર અને ગોવંડીમાં નવા વોર્ડ બનશે.
વધારવામાં આવેલા નવમાંથી છ વોર્ડ શિવસેનાના ગઢ ગણાતા વિસ્તારમાં આવેલા છે. તેથી વોર્ડની પુનરચના સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. તેથી ચૂંટણીમાં શિવસેનાને તેનો ફાયદો થશે. શિવસેનાએ જાણીજોઈને પોતાનો ફાયદો ધ્યાનમાં વોર્ડની ફેરરચના કરી હોવાનો આરોપ પણ ભાજપ અનેક વખત કરી ચૂક્યું છે.
તળ મુંબઈમા પરેલમાં એક વોર્ડ વધ્યો છે, જે શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેના વિધાનસભા બેઠક હેઠળ આવે છે. ભાયખલા માં શિવસેનાના વિધાનસભ્ય યામીની જાધવના મતદાન ક્ષેત્રમાં એક વોર્ડ વધ્યો છે. દહીસર માં ભાજપના વિધાનસભ્ય મનિષા ચૌધરી ના મતદાર ક્ષેત્રમાં એક વોર્ડ વધ્યો છે. કાંદિવલીમાં ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરના મતદાન ક્ષેત્રમાં એક વોર્ડ વધ્યો છે. પૂર્વ ઉપનગરમાં કુર્લામાં શિવસેનાના વિધાનસભ્ય મંગેશ કુડાળકરના મતદાન ક્ષેત્રમાં એક વોર્ડ વધી ગયો છે. તો ઘાટકોપર વિસ્તારમાં ભાજપના વિધાનસભ્ય પરાગ શાગના મતદાન ક્ષેત્રમાં એક વોર્ડ વધી ગયો છે. તો ચેમ્બુરમાં શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ ફાતર્પેકરના મતદાનક્ષેત્રમાં એક વોર્ડ વધી ગયો છે.