ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ખાતાના સફાઈ કર્મચારીઓના ક્વાટર્સ આશ્રય યોજના અંતર્ગત રિડેવલપમેન્ટ કરવામાં આવવાના છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાના આ પૂરા પ્રોજેક્ટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ભાજપે આરોપ કર્યો છે. ભાજપના આરોપ મુજબ મુંબઈમાં પ્રતિ સ્ક્વેર ચોરસ ફૂટના બાંધકામ પાછળ 3,200 રૂપિયાનો ખર્ચ થાય છે. એની સામે મુંબઈ મહાનગરપાલિકા પ્રતિ સ્ક્વેર ફૂટ પાછળ 5,885 રૂપિયા ખર્ચવાની છે. ભાજપના આરોપને પગલે હાલ પૂરતો સ્થાયી સમિતિએ આ પસ્તાવ મોકૂફ રાખ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 34 કૉલોનીઓનું રિડેવલપમેન્ટ આશ્રય યોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ માટે પ્રત્યેક ચોરસ મીટર માટે 46,778 રૂપિયા બાંધકામ ખર્ચ અંદાજિત કરીને ટેન્ડર મગાવ્યાં હતાં.
બુધવારે બી વૉર્ડના ડોંગરી અને ઉમરખાડી તેમ જ એફ-સાઉથ વૉર્ડના પરેલ – શિવરી અને જી – સાઉથના વરલી – મહાલક્ષ્મીમાં રિડેવલપમેન્ટનો પ્રસ્તાવ આશ્રય યોજના હેઠળ મંજૂરી માટે આવ્યો હતો. લગભગ 1,792 કરોડ રૂપિયાના આ પ્રસ્તાવ સામે જોકે ભાજપે વિરોધ દર્શાવ્યો છે. ભાજપે કૉન્ટ્રૅક્ટર નીમવાની સંપૂર્ણ પ્રક્રિયા શંકાસ્પદ ગણાવી હતી.
ગજબ કહેવાય ! દેશની અત્યંત શ્રીમંત ગણાતી BMC ખર્ચાને પહોંચી વળવા ફિક્સ ડિપોઝિટ તોડશે. જાણો વિગત
ભાજપના આરોપ મુજબ બે પ્રસ્તાવ માટે ફક્ત એક સિંગલ બીડ આવી હતી. એથી નિયમ મુજબ પાલિકાએ ફરી ટેન્ડર બહાર નહીં પાડતાં આ કૉન્ટ્રૅક્ટરને કામ કેવી રીતે સોંપી શકે એવો સવાલ ભાજપે કર્યો હતો. પાલિકાએ પોતે ત્રણ પ્રોજેક્ટ માટે 678 કરોડનો ખર્ચ અપેક્ષિત કર્યો છે, એની સામે કૉન્ટ્રૅક્ટરે 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ માંડ્યો છે. બંનેના માંડેલા ખર્ચમાં આટલો ફરક કેમ? એવો સવાલ પણ ભાજપે કર્યો હતો અને આ પ્રસ્તાવમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો.
અહી ઉલ્લેખનીય છે કે 14માથી 12 કૉલોનીનો પુનર્વિકાસ પારંપારિક બાંધકામ કરીને કરવામાં આવવાનો છે. બે કૉલોનીનો પુનર્વિકાસ પ્રિફેબ્રિકેડટ પદ્ધતિથી કરવામાં આવવાનો છે. પાલિકાએ પોતાનો અંદાજપત્ર ખોટી પદ્ધતિએ તૈયાર કરીને ટેન્ડર મગાવ્યાં છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નથી, એવો આરોપ પણ ભાજપે કર્યો છે. એથી આ પ્રસ્તાવ રદ કરીને નવેસરેથી ટેન્ડર મગાવાની માગણી ભાજપે કરી છે.