ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
બીજેપીએ પાલિકાના મુખ્યાલયની બહાર મેયર કિશોરી પેડણેકર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા એ કિશોરી પેડણેકરના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ભાજપે કથિત આરોપ લગાવ્યો હતો કે મેયરે પદનો દુરૂપયોગ કર્યો છે અને એસઆરએ યોજનામાં મળતા ગરીબોના ઘર પડાવી લીધાં છે. તેથી તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. ભાજપ દરરોજ પેડણેકરના ભ્રષ્ટાચારની એક ફાઇલ ઉઘાડી રહયાં છે અને સતત ઘેરી રહયાં છે. આ વિરોધ દરમિયાન પ્રદર્શન કરી રહેલા લોકોને કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપી કસ્ટડીમાં લઈ, આઝાદ મેદાન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે પેડણેકરે તેમમા હોદ્દાનો દુરુપયોગ કરીને લોઅર પરેલ સ્થિત સોસાયટીનો ફ્લેટ અને ઓફિસ પકડી લીધી હતી. તેમણે કહ્યું કે આ સોસાયટીમાં મેયરે કુલ 6 ફ્લેટ પકડ્યા છે, જે એસઆરએ યોજના અંતર્ગત ગરીબોને અપાયા હતા. આ માટે, તેઓએ ફ્લેટ્સ બનાવવા અને તેમને પડાવી લેવા નકલી કાગળોનો ઉપયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓ મેયર વિરુદ્ધ બનાવટી બનાવનો કેસ નોંધાવવા મક્કમ હતાં. તેમણે કહ્યું કે પુરાવા સાથે તેમણે રાજ્ય સરકાર, એસઆરએ વિભાગ અને બીએમસીને પત્ર મોકલીને મેયર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે, પરંતુ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
સોમૈયાના આક્ષેપોને નકારી કાઢતાં પેડણેકરે કહ્યું કે સોમૈયાને આવા આરોપો લગાવવાની જૂની ટેવ છે. તેઓ હવામાં તીર ચલાવતા રહે છે, દરેક જણ આ જાણે છે. જો તેમની પાસે પુરાવા છે તો તે સાબિત કરો એમ મેયરે જણાવ્યું હતું..