ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લૅક ફંગસના કેસ વધી રહ્યા છે. હાલ રાજ્યમાં જોખમી પરિસ્થિત જોવા મળી છે. હાલ બ્લૅક ફંગસના લગભગ 7,000ની ઉપર કેસ થઈ ગયા છે, ત્યારે શૉકિંગ કહેવાય એમ મુંબઈમાં વધુ એક બાળકે બ્લૅક ફંગસને કારણે આંખ ગુમાવી છે. મુંબઈમાં છેલ્લા સાત મહિનામાં આ ચોથું બાળક છે, જેની મ્યુકરમાયકોસિસના ચેપને પગલે આંખ કાઢી લેવામાં આવી છે. ચારમાંથી એકને પણ કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. જ્વલ્લે જ બાળકોમાં રહેતી ઇમ્યુનિટી સંબંધિત સમસ્યા હોવાથી આ બાળકો બ્લૅક ફંગસના ભોગ બન્યાં હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.
આ બાળકોની ઉંમર 4, 6 અને 14 વર્ષની છે. જૂનના પહેલા અઠવાડિયામાં રત્નાગિરિની 14 વર્ષની બાળકીની ફંગસ ફેલાય નહીં એ માટે કૂપર હૉસ્પિટલમાં આંખ કાઢી લેવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં ખાનગી હૉસ્પિટલમાં 14 વર્ષની ડાયાબિટિક બાળકની સર્જરી કરી આંખ કાઢી લેવામાં આવી હતી. પરેલની ખાનગી હૉસ્પિટલમાં ચાર અને છ વર્ષના બાળક ઉપર પણ આ જ પ્રકારની સર્જરી કરીને આંખ કાઢી લેવામાં આવી હતી. એમાં ચાર વર્ષનું બાળક કૅન્સર પીડિત છે.
બાળકોના નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ હેલ્ધી બાળકો ભાગ્યે જ બ્લૅક ફંગસનો ભોગ બને છે.