ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર.
કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના રસ્તા પર થૂંકી ગંદકી ફેલાવનારા સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. જોકે પાલિકાની આ કાર્યવાહી ઠંડી પડી ગઈ છે. સાર્વજનિક સ્થળે ઠેર-ઠેર ગંદકી નજરે પડતી હોય છે. છતાં ગુરુવારે પાલિકાએ ફક્ત 168 લોકોને જ પકડી તેમની પાસેથી 3,360 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તો મોઢા પર માસ્ક વગર ફરનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. પરંતુ પાલિકાને ગુરુવારે ફક્ત 4,778 લોકો જ માસ્ક વગરના દેખાયા હતા અને તેમની પાસેથી 9,55,600 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તો ચપ્પે ચપ્પે પે હમારે આદમી પહેરા દે રહે હૈ – બોલનારી પોલીસને સમગ્ર મુંબઈમાં માત્ર 2,303 માણસો જ માસ્ક વગરના દેખાયા હતા. તેમની પાસેથી 4,60,600 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. વેક્સિનના બંને ડોઝ લેનારાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેથી રેલવે સ્ટેશનો પર કીડીયારું ઊભરાવા માંડ્યું છે. તેની સામે માસ્ક વગરના પ્રવાસોની સંખ્યા પણ વધી ગઈ છે. છતાં રેલવે સ્ટેશન પર આવા લોકોને પકડવાની કામગીરી કાચબાગતિએ ચાલી રહી છે.
ઈ-કોમર્સ કંપનીઓ સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં : દેશભરમાં સાંસદ અને વિધાસભ્યોને આ માગણી સાથે આપ્યો પત્ર. જાણો વિગત.
સાર્વજનિક સ્થળે થૂંકનારા લોકો સામે 17 સપ્ટેમ્બર 2020થી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આવા ગંદકી ફેલાવનારાની સંખ્યા 35,490 થઈ ગઈ છે. તેમની પાસેથી 70,86,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો છેલ્લા દોઢ વર્ષમાં માસ્ક વગરના 29,78,845 લોકોને પકડીને તેમની પાસેથી 62,46,45,800 રૂપિયાનો દંડ પાલિકાના ક્લીન-અપ માર્શલોએ વસૂલ્યો છે. પોલીસે દોઢ વર્ષમાં 6,04,585 લોકોને પકડીને 12,09,17,600 રૂપિયા વસૂલ્યા છે. રેલવે પરિસરમાં 23,891 લોકોને પકડીને તેમની પાસેથી 50,39,200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.