ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈમાં કોરાનાની ત્રીજી લહેર દસ્તખ દઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેસના વધારાએ મુંબઈ પાલિકાની ચિંતામાં વધારો કર્યો છે. એમાં હવે મુંબઈ મનપા ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. એથી પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. તેઓ પાલિકાના આરોગ્ય ખાતાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
મુંબઈમાં કોરોનાએ દસ્તખ દીધી હતી ત્યારથી રાતદિવસ એને નિયંત્રણમાં લાવવાના પ્રયાસમાં રહેનારા સુરેશ કાકાણીએ ઉલ્લેખનીય કામગીરી બજાવી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સતત ફીલ્ડ પર રહીને પણ કોરોનાના ચેપથી બચી ગયેલા અધિકારીને રહી-રહીને ચેપ લાગતાં પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
બે-ત્રણ દિવસ તેમને તાવ સહિતની ફરિયાદ રહેતાં તેમની કોરાનાની ટેસ્ટ કરવામાં આવી હતી. જે ગુરુવારે પૉઝિટિવ આવી હતી. હાલ સુરેશ કાકાણી અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.