ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
થર્ટી ફસ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે કોઈ પ્રકારની પાર્ટી તેમ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો છે. તેમ જ હોટલ, રેસ્ટોરાં વગેરે સ્થળે પણ 50 ટકા હાજરીની શરત રાખવામાં આવી છે. ત્યારે આ નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવા માટે પાલિકાના સ્થાનિક વોર્ડની વિજિલન્સ ટીમ પોલીસ સાથે મળીને હોટલમાં ચેકિંગ કરશે. વાત એટલે થી નહીં અટકતા પાલિકાના અધિકારીના પોતાના વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરાના સીસીટીવી પણ ચેક કરવાના રહેશે.
મુંબઈમાં કોરોનાના વધતા કેસને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલએ નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ સાર્વજનિક સ્થળો તથા હોટલ અને રેસ્ટોરામાં કોઈ પણ હિસાબે ભીડ થતી રોકવા પર પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમા પાલિકાના અધિકારીઓ રોજ હોટલ અને રેસ્ટોરાંના CCTV ફૂટેજ ચેક કરીને કોરોના સંદર્ભના નિયમોનું ઉલ્લંઘન તો થતું નથી તે તપાસ કરશે.
મુંબઈમા થર્ટી ફસ્ટની ઊજવણીની સાર્વજનિક સ્થળ પર પાર્ટી રાખવા પર પ્રતિબંધ આવી ગયો છે. તેમ જ પાંચથી વધુ લોકોને સાથે રહેવા પર પ્રતિબંધ આવી ગયો છે. આ દરમિયાન હોટલમાં તથા રેસ્ટોરામાં કોઈ પ્રકારની પાર્ટીનું આયોજન કરી શકાશે નહીં.
આંતરરાષ્ટ્રીય પ્રવાસેથી આવતા મુસાફરો માટે સારા સમાચાર, મુંબઈના નાગરિકને મળશે આ સુવિધા મફત; જાણો વિગત
પાલિકાના આદેશનું તથા કોરોના સંદર્ભના નિયમનું પાલન થાય છે કે નહીં તે માટે હોટલ અને રેસ્ટોરાં પર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં પણ તે માટે પાલિકા અને પોલીસની વિજિલન્સ ટીમ બનાવવામાં આવવાની છે. એ સિવાય દરેક વોર્ડના અધિકારીઓને પોતાના વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરાંના સીસીટીવી કેમેરા પણ રોજ ચેક કરવાના રહેશે. જો કોઈ હોટલ રેસ્ટોરાંમાં નિયમોનો ભંગ થતો જણાયો તો તેમની સામે આકરા પગલાં લેવાની સ્પષ્ટ શબ્દોમાં કમિશનરે ચેતવણી આપી છે.