ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
દેશમાં વેક્સિનની અછત સામે વિદેશથી સીધી એક કરોડ વેક્સિન ખરીદવાના મુંબઈ મહાનગરપાલિકાનાં સપનાં પર પાણી ફરી મળ્યું છે. BMCએ વેક્સિન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જેમાં કુલ દસ ડિસ્ટ્રિબ્યુટર્સ આગળ આવ્યા હતા. એમાંથી એકે પહેલા જ પીછેહટ કરી હતી, તો નવ ડિસ્ટ્રિબ્યુટર્સ પહેલી જૂન સુધી પાલિકાને આવશ્યક દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગયા હતા. એથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ નવ ડિસ્ટ્રિબ્યુટર્સને ગેરલાયક ઠરાવીને ટેન્ડર રદ કરી દીધું હતું.
જોકે પાલિકા હજી પણ વેક્સિન મેળવવા માટે આશાવાદી હોવાનું BMC ઍડિશનલ કમિશનરે જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ રશિયાની સ્પુતનિક વેક્સિનના ડિસ્ટ્રિબ્યુટર ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરી સાથે ચર્ચા ચાલી રહી છે. જૂનના અંત સુધીમાં તેમની પાસેથી ટ્રાયલ બેસિસ પર વેક્સિન મળવાની શક્યતા છે. ત્યાર બાદ પણ બધું વ્યવસ્થિત રહ્યું તો જુલાઈ અને ઑગસ્ટ 2021 સુધીમાં સ્પુતનિક વેક્સિનનો ડોઝ મળશે. જોકે એ અગાઉ સ્પુતનિક વેક્સિનને સંગ્રહ કરવા માટેના માપદંડ અલગ હોવાથી એનો અભ્યાસ કરવામાં આવવાનો છે.
ગ્લોબ્લ સ્તરે ટેન્ડર બહાર પાડીને વેક્સિન ખરીદવાની યોજના પડી ભાંગી છે, એ માટે પાલિકા પ્રશાસનના અધિકારીઓ જવાબદાર છે. પાલિકાએ ડિસ્ટ્રિબ્યુટરોને બદલે વેક્સિનનું ઉત્પાદન કરનારી રશિયન કંપની સાથે પહેલાં જ સંપર્ક કરી લીધો હોત તો આટલી ફજેતી ના થઈ હોત એવો દાવો નિષ્ણાતો દ્વારા થઈ રહ્યો છે.