ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈવાસીઓના ખાડાવાળા રસ્તાઓને લીધે હાલ થઈ રહ્યા છે અને ચોમાસામાં તો રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તા એ સમજવું પણ મુશ્કેલ પડે છે, ત્યારે આ વાસ્તવિકતાને અવગણીને મહાપાલિકા ૩૧,૩૯૮ ખાડા પૂર્યા હોવાનો દાવો કરી રહી છે.
મહાનગરપાલિકાએ રસ્તા ઉપર ખાડા ન થાય એ માટે પ્રતિબંધાત્મક ઉપાય અને ખાડા પૂરવા માટે ટેન્ડર કાઢીને કૉન્ટ્રૅક્ટરો નિયુક્ત કર્યા છે. આ બે વર્ષના કરાર માટે પાલિકાના ૨૪ વૉર્ડને દર વર્ષ માટે બે કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ થયું છે. એમાં દોઢ કરોડ રૂપિયા ખાડા ન થાય એ માટે પ્રતિબંધાત્મક ઉપાયોમાં અને બાકીના ૫૦ લાખ રૂપિયા ખાડા પૂરવા માટે વપરાશે. એથી ૨૪ વૉર્ડમાં પ્રતિ વર્ષ કુલ ૪૮ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે. ખાડાઓ પૂરવા કરોડોનો ખર્ચ પાલિકા કરે છે, છતાં પરિણામ દેખાતું નથી.
પાલિકાના દાવા મુજબ ૨૪ વૉર્ડની ઉપલબ્ધ માહિતી પ્રમાણે પાલિકાના નિયમિત કામદારો દ્વારા ૨૨,૮૯૭ ખાડા અને નિયુક્ત કરેલા કૉન્ટ્રૅક્ટર દ્વારા ૮,૫૦૧ ખાડા પૂરાયા છે.