ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
કોવિડ મહામારીમાં મુંબઈ મહાનગરપાલિકાને પણ મોટો આર્થિક ફટકો પડયો છે. તેથી પોતાની આવકનો મુખ્ય સ્રોત રહેલા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. ભારે પ્રયાસને પગલે માત્ર બે મહિનામા મનપાને 1,280 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં સફળતા મળી છે. આખા વર્ષમાં પાલિકા જેટલો ટેક્સ વસૂલ કરતી હોય છે, તેના 25 ટકા તેણે માત્ર બે મહિનામાં જ વસૂલી લીધો છે.
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા ડિફોલ્ટરો સામે પાલિકાએ અનેક પ્રકારની કાર્યવાહી કરી છે, જેમાં જપ્ત કરાયેલી મિલકતની લિલામી કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં એક વર્ષમાં પાલિકાએ કુલ 11,661 મિલકત જપ્ત કરી હતી. એ મિલકતને લીલામ કરવાનો અધિકાર મેળવવા માટે કાયદામાં પણ તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. તેથી પાલિકા સમયસર પ્રોપર્ટી ટેક્સની બાકી રહેલી રકમ વસૂલ કરી શકે.
હાલ તો પાલિકાએ બાકી રહેલો ટેક્સ વસૂલ કરવા માટે દરેક વોર્ડમાં પાંચ મોટા ડિફોલ્ટરોની યાદી બનાવી છે અને તેમની પાસેથી બાકી રહેલો ટેક્સ વસૂલ કરવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. પાલિકાએ અત્યાર સુધી ડિફોલ્ટરોના જપ્ત કરેલા ગાળા, મિલકત, જમીન, હેલિકોપ્ટર, એસી, મોંધી ગાડીઓની લિલામ કરવાની છે. તેના થકી પોતાનો બાકી રહેલો ટેક્સ વસૂલવાની છે.