ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોનાના બદલાતા સ્વરૂપને કારણે પૉઝિટિવ દર્દીઓમાં લક્ષણો જણાતાં નથી. એથી ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે. એથી કોરોનાના દર્દીના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિના ટેસ્ટનો રિપૉર્ટ આવે નહીં ત્યાં સુધી સંબંધિત વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.
કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે. એમાં પાછું કોરોનાના બદલાતા સ્ટ્રેનને કારણે દર્દીની સંખ્યા પહેલાંની બે લહેર કરતાં વધુ હોવાની શક્યતા છે. એથી પાલિકા પ્રશાસને આરોગ્ય યંત્રણાને સતર્ક રાખી છે. સાથે જ હૉસ્પિટલમાં પલંગની સંખ્યા પણ વધારી છે. એમાં એક લાખ પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દવા તથા ઑક્સિજનનો સ્ટૉક પણ કરી લેવામાં આવ્યો છે.
શાબ્બાશ! કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં આટલા લાખ થયું વેક્સિનેશન; જાણો વિગત
એ સાથે જ કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે અસરગ્રસ્ત દર્દીના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિને શોધવાની ઝુંબેશ વધુ ઝડપી કરી છે. એ મુજબ દર્દીના સંપર્કમાં આવેલી ઓછામાં ઓછી 15થી 20 વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરવામાં આવશે. જોકે ટેસ્ટના રિપૉર્ટ આવે નહીં ત્યાં સુધી સંબંધિત વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન રહેવું પડશે.