ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઓક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈમાં દરરોજ નિર્માણ થતાં કચરાના નિકાલ માટે પાલિકાએ અત્યાર સુધી અનેક ઉપાયો કર્યા છે. પાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂર્ણ થયા બાદ આ જગ્યાને બંધ કરવાનો આદેશ પણ હાઈકોર્ટે આપ્યો છે. તેથી પાલિકાએ મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડને વર્ષ 2018ના ઓક્ટોબરમાં બંધ કરવાનું નક્કી કર્યું હતું. તે સમયે મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડ પરિસરમાં રહેનારા લોકોએ ફટાકડા ફોડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું, પરંતુ વિવિધ કારણોને લીધે ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના નિકાલની પ્રક્રિયા રખડી પડી છે. ગત ત્રણ વર્ષમાં માત્ર 15 ટકા કામ જ થઈ શક્યું છે.
મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરાના નિકાલ માટે વર્ષ 2018માં કોન્ટ્રાક્ટરની નિમણુક પણ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ અનુસાર 24 લાખ 23 હજાર ટન કચરાનું બાયોમાઇનિંગ અને નિકાલ કરવાનું કામ છે. આ પ્રોજેક્ટ દ્વારા 24 હેક્ટર જમીન ફરીથી પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દર વર્ષે 11 લાખ ટન કચરાનો નિકાલ કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ તે પૂર્ણ થઇ શક્યો નથી. આ પ્રકલ્પ જુલાઈ 2024માં પૂર્ણ થવાની અપેક્ષા છે. જોકે વિવિધ કારણોને લીધે માત્ર 15 ટકા કામ જ થયું છે.
કાર્યનો આદેશ અપાયા બાદ પણ લાંબા સમય સુધી આ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો સ્વીકારાતો હતો. વિવિધ પરવાનગીઓને લીધે પ્રત્યક્ષ પ્રકલ્પ શરૂ થવામાં વિલંબ થયો હતો અને શરૂ થયા બાદ પણ વિવિધ કારણોને લીધે આ પ્રોજેક્ટ રખડી પડ્યો છે. તેમાં પણ ગત વર્ષે થયેલા લોકડાઉનમાં મનુષ્યબળ ન હોવાથી આ પ્રોજેકટનું કામ રખડી પડ્યું છે. ગત ત્રણ વર્ષમાં માત્ર 15 ટકા કામ થયું હોવાનું પાલિકાના અધિકારીઓ પણ કબૂલ કર્યું છે.