ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
કર્ણાટકમાં ઓમીક્રોનના બે દર્દી મળી આવ્યા બાદ મહારાષ્ટ્રની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા સર્તક થઈ ગઈ છે. જોખમી દેશમાંથી પ્રવાસ કરી આવનારા પ્રવાસીઓને માટે કેન્દ્ર સરકારે બહાર પાડેલી નિયમાવલી બાદ પાલિકાએ નવી આકરી નિયમાવલી બહાર પાડી છે. નવો ઓમીક્રોનને ફેલાતો રોકવા જોખમી દેશનો પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓને ફરજિયાત રીતે સાત દિવસ ક્વોરેન્ટાઇન થવાનું રહેશે. નિયમનું ઉલ્લંઘન કરનારા આકરા પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓના ચેકિંગથી લઈને અન્ય નિયમોનું આકરું પાલન કરવાનો આદેશ એરપોર્ટ ઓથોરિટીને પાલિકા દ્વારા આપી દેવામા આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીને ઈન્ટરનેશલ એરપોર્ટ પર હાઈ રિસ્ક દેશોમાંથી આવનાર પ્રવાસીઓ પર સખત નજર રાખવાની રહેશે. છેલ્લા 15 દિવસમાં પણ આ દેશનો પ્રવાસ કર્યો છે કે નહીં તેની તપાસ પણ તેમણે પ્રવાસીઓના પાસર્પોટ પરથી કરવાની રહેશે. તેમાં પણ મુંબઈનો રહેવાસી હશે તેના પર ખાસ નજર રાખવાની રહેશે.
એરપોર્ટ પર ઉતરેલો પ્રવાસી આરટીપીસીઆરમાં નેગેટિવ હશે તો પણ તેણે ફરજિયાત સાત દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે. પાલિકાના 24 વોર્ડના કંટ્રોલ રૂમમાંથી તે જે વોર્ડનો હશે તે વોર્ડ દ્વારા તેનું સતત ટ્રેકિંગ કરવાનું રહેશે. કોઈ પોઝિટિવ પ્રવાસીના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ટ્રેસિંગ કરીને પાલિકાના સંબંધિત વોર્ડે તેની માહિતી મેળવવાની રહેશે અને તે ડિઝાસ્ટર કંટ્રોલને મોકલવાની રહેશે.
પાલિકાના દ્વારા એરપોર્ટ પર ઉતરનારા અને હોમ ક્વોરન્ટાઈન રહેનારાઓની ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરીને તેની યાદી બનાવવામાં આવશે અને તેની માહિતી રોજ વોર્ડ સ્તરે પાલિકાના ડિઝાસ્ટર ખાતાને મોકલવામાં આવશે. 24 વોર્ડ વોર રૂમ દ્વારા રોજ હોમ ક્વોરન્ટાઈન રહેલા લોકો પ્રોટોકોલનું પાલન કરે છે, તે માટે દિવસના પાંચ વખત તેમને ફોન પર સંપર્ક કરીને માહિતી મેળવશે.
પાલિકાના વોર્ડ વોર રૂમ દ્વારા હોમ ક્વોરન્ટાઈન લોકોની જે યાદી બનશે. તે યાદી સંબંધિત વ્યક્તિ જે હાઉસિંગ સોસાયટીમાં રહેતો હશે, તે હાઉસિંગ સોસાયટીને તેની માહિતી આપવા આવશે. તે વ્યક્તિ હોમ કવોરન્ટાઈનના નિયમનું પાલન કરે છે કે નહીં તેના પર હાઉસિંગ સોસાયટીએ પણ નજર રાખવાની રહેશે. તેમ જ તે ઘરમાં કોઈ મહેમાન મુલાકાત ના લે તેનું ધ્યાન પણ હાઉસિંગ સોસાયટીએ રાખવાનું રહેશે.
વોર્ડ વોર રૂમ દ્વારા સંબંધિત વ્યકિતના ઘરે એમ્બુયલન્સ સહિતની મેડિકલ ટીમ પણ તેના ચેકઅપ માટે મોકલવામાં આવશે. સાત દિવસના હોમ ક્વોરન્ટાઈન બાદ સંબંધિત પ્રવાસીએ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની રહેશે. હોમ કવોરન્ટાઈન રહેલી વ્યક્તિમાં કોઈ લક્ષણો જણાયા તો વોર્ડ વોર રૂમ દ્વારા સંબંધિત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની રહેશે. હોમ ક્વોરન્ટાઈન દરમિયાન સંબંધિત વ્યક્તિને વોર્ડ વોર રૂમના ડોકટરો ફોન કરીને કાઉન્સલિંગ પણ કરશે.
હોમ ક્વોરન્ટાઈન દરમિયાન નિયમનું ઉલ્લંઘન કરનારા પ્રવાસી સામે એપેડેમિક એક્ટ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ આકરા પગલા લેવાશે.
જે દેશોને જોખમી દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી, તેવા દેશમાંથી આવનારા પ્રવાસીઓએ પણ જાતે જ હોમ ક્વોરન્ટાઈન થવાનું રહેશે. આ દરમિયાન તેને કોઈ લક્ષણ જણાયા તો તેણે તુરંત વોર્ડ વોર રૂમ કંટ્રોલમાં ફોન કરીને તેની જાણ કરવાની રહેશે.