ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકામાં 9 વોર્ડ વધારવાનો નિર્ણય રાજયના અર્બન ડેલવલપમેન્ટ ખાતાએ લીધો છે. ચૂંટણી વિભાગ પાસે પૂરતો સમય હોવાથી આ સમય દરમિયાન તમામ વોર્ડની ફેરરચના કરીને નિયત સમયે તે ચૂંટણીનું આયોજન કરી શકે છે. પરંતુ 9 વોર્ડ વધાર્યા બાદ તેને લગતી પ્રક્રિયામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. અથવા આ નિર્ણય સામે કોઈ કોર્ટમાં જાય તો ચૂંટણી આગળ ધકેલાઈ જાય એવી સત્તાધારી પાર્ટી શિવસેનાની યોજના હોવાનું માનવામાં આવે છે
મુંબઈ મહાનગરપાલિકાની આગામી વર્ષે થનારી ચૂંટણી આગળ ધકેલાઈ જાય એ માટે પાલિકાની સત્તાધારી પાર્ટી છૂપી યોજના બનાવી રહી હોવાનું કહેવાય છે. તેની પાછળ અનેક કારણો માનવામાં આવે છે. એક તો ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં થનારી ઉત્તર પ્રદેશની ચૂંટણી તો બીજું કારણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની તબિયતને માનવામાં આવે છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પાશ્ર્વભૂમિકા પર રાજયની કેબિનેટની બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકામાં 9 વોર્ડ વધારવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તેથી મુંબઈમાં વોર્ડની સંખ્યા 227માંથી 236 થશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યો છે પરંતુ હજી સુધી તેને લગતો ગર્વમેન્ટ રેગ્યુલેશન બહાર પાડવામાં આવ્યો નથી. પાલિકાને આ જીઆર મળ્યો નથી. તેથી નિયમ મુજબ પાલિકાએ વોર્ડની રચના કરવાનું ચાલુ કર્યું નથી. આ જીઆર કાઢવામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે અને તે કારણ આગળ કરીને સત્તાધારી પાર્ટી તરફથી ચૂંટણી આગળ કરવાની યોજના હોવાનો આરોપ શિવસેના પર થઈ રહ્યો છે.
વોર્ડની ફેરરચનાના કારણની સાથે જ શિવસેના માટે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પણ મહત્વની ગણાય છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના તમામ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી લડીને શિવસેના રાષ્ટ્રીય પક્ષ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાષ્ટ્રીય નેતા ચીતરવાનો શિવસેનાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. તેથી જો ફેબ્રુઆરીમાં મુંબઈ મનપાની ચૂંટણી થાય છે, તો શિવસેના અને મુખ્ય પ્રધાન પોતાનું ધ્યાન મુંબઈની ચૂંટણીમાં આપશે તો ઉત્તર પ્રદેશની ચૂંટણી પર ધ્યાન નહીં આપી શકે અને તે શિવસેનાને પરવડશે નહીં. તેથી યેનકેન પ્રકરણે શિવસેના મુંબઈ મનપાની ચૂંટણી આગળ કરવા માગતી હોવાનું માનવામાં આવે છે.