ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
કોરોના મહામારી દરમિયાન ભારત સહિત વિશ્વના અનેક દેશોને મોટા પાયા પર આર્થિક ફટકો બેઠો હતો. જોકે એ બધામાં પણ દેશની કોઈ નાના રાજ્યના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાની આવકમાં ધરખમ વધારો થયો છે. પાલિકા પાસે અધધધ પ્રમાણમાં ફિક્સ ડિપોઝિટ છે અને તેના પરના વ્યાજને કારણે જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ફિક્સ ડિપોઝિટની રકમ ૯૨,૬૩૬ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને મહામારી દરમિયાન પાલિકાને મોટાભાગની આવક બિલ્ડરોને આપેલા પ્રિમિયમમાં આપેલી 50 ટકા છૂટ મારફત થઈ હોવાનું મુંબઈ મનપાના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું.
મુંબઈ મનપાની પાસે હાલ જુદી જુદી બેંકમાં કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. મુંબઈ મનપા પાસે 10 વર્ષ પહેલા નાણાકીય વર્ષ 2011-12માં 26,876 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ હતી. ત્યારબાદ તેમાં સતત વધારો થયો હતો.
જાન્યુઆરી 2022ની શરૂઆતમાં ૮૭,૧૩૧ કરોડ રૂપિયાની એફડી હતી. તેમાં જાન્યુઆરી 2022માં ૫૫૦૪.૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૨માં એફડીની રકમ ૯૨,૬૩૬ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. હાલ જુદી જુદી બેંકમાં હાલ ૪૪૩ એફડી છે, જે ૭૩૦ દિવસથી ૩૬૫ દિવસ માટે બેંકમાં મૂકવામાં આવી છે.
હાલ મુંબઈ મનપા પાસે ૯૨,૬૩૬ કરોડ રૂપિયાની થાપણ છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારી અને લોકડાઉનને કારણે પૂરી દુનિયાના અર્થતંત્રને ફટકો પડયો હતો. પરંતુ સંકટ વચ્ચે પણ પાલિકાની આવકમાં સતત વધારો થયો છે. તે માટે મુખ્યત્વે બે કારણને જવાબદાર માનવામાં આવે છે. એક તો પ્રોપર્ટી ટેક્સ અને બીજું ડેવલપમેન્ટ વર્કના પ્રિમિયમ ચાર્જમાં 50 ટકાની આપવામાં આવેલ છૂટ. જેનો બિલ્ડર લોબીએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
કોણે કીધું કોરોનાને કારણે લોકો ગરીબ થયાં? આંકડા દર્શાવે છે કે મુંબઈમાં અમીરોની સંખ્યા વધી. જાણો તાજા આંકડો….
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના કહેવા મુજબ 2020-21માં પાલિકાની આવકમાં ઘટાડો થયો હતો. જોકે બાદમાં ધીમે ધીમે સુધારો થતો ગયો હતો. તેમાં ખાસ કરીને બિલ્ડિંગ પ્રીયમમને કારણે મોટી આવક થઈ છે. પાલિકાએ 2021-22ના આર્થિક વર્ષમાં 27,811 કરોડ રૂપિયાની આવક અપેક્ષિત રાખી છે, જેમાં 2,000 કરોડ માત્ર ડેવલપમેન્ટ પ્લાન મારફત આવવાના હતા. આગામી બે મહિનામાં વધુ 1,207 કરોડ રૂપિયાની આવક અપેક્ષિત છે. પાલિકાએ જે 27,811 કરોડ રૂપિયાની આવક અપેક્ષિત રાખી હતી, તે હવે અંદાજે 37,538 કરોડ રૂપિયા પર પહોંચી જશે.
મુખ્યત્વે આ સમયગાળામાં મહારાષ્ટ્ર સરકારે પ્રિમિયમમાં 50 ટકાની છૂટ આપી હતી, તેને કારણે ફક્ત 11 મહિનામાં માર્ચ 2021થી ડિસેમ્બર 2021 સુધીના સમયમાં 14,000 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સમય દરમિયાન 2860 નવા બાંધકામના પ્રોજેક્ટને મંજૂરી મળી હતી.