News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) શહેરમાં એકલા અને આર્થિક રીતે નબળા વૃદ્ધોની વહારે આવી છે. સમાજમા હજી પણ અનેક લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા(Parents)ને તરછોડી દેતા હોય છે. આવા વૃદ્ધોને ટેકો આપવા અને તેમની સંભાળ રાખવાની પહેલ પાલિકાએ કરી છે. પાલિકાએ તાજેતરમાં ગોરેગાંવ (ઈસ્ટ)માં એક આરક્ષિત પ્લોટ પર વૃદ્ધાશ્રમ બનાવવા માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે. પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ.13.38 કરોડ છે.
નાણાકીય વર્ષ 2017-18માં, BMCએ વૃદ્ધાશ્રમો અને કેર સેન્ટર, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને કામ કરતી મહિલાઓ માટે મલ્ટિપર્પસ હાઉસિંગ માટે અલગ નીતિ ઘડવાનું નક્કી કર્યું છે. મુંબઈના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન 2034 (DP), આગામી 20 વર્ષ માટે, શહેરના દરેક 24 વોર્ડમાં એક વૃદ્ધાશ્રમ, પારણાઘર અને મહિલા હોસ્ટેલની જોગવાઈઓ છે. આખરે, પાંચ વર્ષના લાંબા ગાળા બાદ, આ પ્રોજેક્ટ હવે અમલમાં આવશે. યોજના મુજબ, પાલિકા આ વૃદ્ધાશ્રમ ગોરેગાંવ પૂર્વમાં રહેજા રિજવુડ નજીકના પ્લોટ પર બાંધવાની છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી; જાણો વિગતે
નવ માળની આ ઈમારત 602 ચોરસ મીટર વિસ્તારમાં બાંધવામાં આવશે, જેમાં 70 વૃદ્ધોને સમાવવાની ક્ષમતા હશે. આ બિલ્ડીંગ BMC ના ધારાધોરણો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે અને આ વૃદ્ધો માટે તમામ જરૂરી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવી છે. BMCના દ્વારા તેના માટે 18 મેના રોજ ટેન્ડર મંગાવ્યું છે.
એમ તો શહેરમાં ઘણા ખાનગી વૃદ્ધાશ્રમ છે, પરંતુ આ પહેલું વૃદ્ધાશ્રમ છે જે BMC દ્વારા બનાવવામાં આવશે. બાંધકામ પછી, BMC એક NGOની નિમણૂક કરશે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ દ્વારા વૃદ્ધાશ્રમનું સંચાલન કરશે આ પ્રોજેક્ટને પૂરો થતાં લગભગ દોઢ વર્ષનો સમય લાગે એવો અંદાજો છે.
વૃદ્ધાશ્રમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડિસ્પેન્સરી, મેડિકલ શોપ અને એડમિનિસ્ટ્રેશન રૂમ, પહેલા માળે ડેકેર અને ફિઝિયોથેરાપી રૂમ, બીજા માળે ડાઇનિંગ રૂમ, રસોડું અને લોન્ડ્રી અને 3જાથી 8મા માળા સુધી ટ્વીન બેડ – સિંગલ બેડરૂમ હશે. જ્યારે નવમા માળે રીક્રીએશન રૂમ હશે.