ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
દેશની અત્યંત શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ કોઈ નાના રાજય કરતાં પણ વધુ છે. જુદા જુદા વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરનારી મુંબઈ મનપા પાસે હાલ 82,410 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) જુદી જુદી બૅન્કમાં જમા છે. આ વર્ષે પાલિકાની 5,664 કરોડ રૂપિયાની FD પાકશે.
પાલિકાના જુદાં જુદાં ખાતાંની FD જુદી જુદી બૅન્કમાં રાખવામાં આવી છે. સૌથી વધુ વ્યાજ આપનારી બૅન્કમાં પાલિકા પોતાની મૂડીનું રોકાણ કરતી હોય છે. આ રકમમાંથી જ પાલિકા પોતાનો ઍડમિનિસ્ટ્રેશન ખર્ચ, વિકાસનાં કામ તથા રિટાયર્ડ કર્મચારીઓને પૈસા આપતી હોય છે. જુદાં જુદાં વિકાસ કામ માટે કૉન્ટ્રૅક્ટરો પાસેથી લીધેલી ડિપોઝિટની રકમને પાલિકા FDમાં રોકે છે.
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં પાલિકાની આવકમાં ભારે ફટકો પડ્યો છે. એથી સામે કોરોનાની સારવાર સહિતના અનેક ખર્ચા વધી ગયા છે, ત્યારે પાલિકાએ જુદા જુદા પ્રોજેક્ટ માટે આ FDમાં રિઝર્વ રાખેલી 5,000 કરોડ રૂપિયાની રકમનો ગયા વર્ષે ઉપયોગ કર્યો હતો. આ વર્ષે પણ FDમાં રહેલા રિઝર્વ ફંડમાંથી જુદા જુદા પ્રોજેક્ટ પાછળ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે.
