ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જ હતી કે ઓમીક્રોન આ નવા વેરિયન્ટે જોખમ ઊભું કરી દીધુ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલા અત્યાર સુધી 19 પ્રવાસીઓને કોરોના થયો છે અને તેમના સંપર્કમાં આવેલા છ લોકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેથી કોરોનાના ચેપની સાંકળ તોડવા માટે વધુને વધુ લોકોનું ટેસ્ટિંગ, તાત્કાલિક નિદાન અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવા પર ફરી એક વખત મુંબઈ મહાનગરપાલિકાએ ભાર આપ્યો છે. તે મુજબ હાલ કોવિડની ટેસ્ટિંગનું પ્રમાણ વધારીને દરરોજ સરેરાશ 35થી 40 હજાર કરી નાખવામાં આવી છે.
કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતા દરરોદ નોંધાતા કેસનું પ્રમાણ પણ 200ની આસપાસ થઈ ગયું છે. તેમ જ દૈનિક સરેરાશ દર 0.02 ટકા થઈ ગયો છે. તેથી મુંબઈના તમામ પ્રતિબંધ શિથિલ કરવામાં આવ્યા છે, ત્યારે હવે નવું ઓમીક્રોનનું સંકટ ઊભું થયું છે. છેલ્લા એક મહિનામાં જોખમી દેશમાંથી મુંબઈ આવનારાઓની સંખ્યા પાંચ હજારની આસપાસ પહોંચી ગઈ છે. નવો વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાથી પાલિકાએ તકેદારીના પગલારૂપે ટેસ્ટિંગ વધારી દીધું છે.
નવેમ્બર મહિનામાં દિવાળી બાદ અમુક દિવસ સરેરાશ 38,000 ટેસ્ટિંગ કરવામાં આવતી હતી. આ દરમિયાન દરરોજ 250ની આસપાસ દર્દી નોંધાતા હતા. ચેપ લાગવાનુ પ્રમાણ ઘટી જતા પાલિકાએ ટેસ્ટિંગ 28,000 સુધી લઈ આવી હતી. નવા દર્દી મળવાનું પ્રમાણ પણ 200ની આસપાસ થઈ ગયું હતું. જોકે હવે નવા વેરિયન્ટને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે. તે મુજબ પાલિકાએ 30 નવેમ્બરથી ટેસ્ટિંગ વધારી દીધું છે.