News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિદિન નોંધાતા કોવિડના કેસની સંખ્યા પણ 50ની નીચે આવી ગઈ છે. પંરતુ ચીન સહિત અનેક દેશોમાં કોરોનાની ચોથી લહેર હેઠળ મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાની પણ ચિંતા વધી ગઈ છે અને તેણે ચોથી લહેરનો સામનો કરવા કમર કસી લીધી છે.
મુંબઈ મહાનગરપાલિકાની મુખ્ય હોસ્પિટલનો ડાયરેકટર ડો. નીલમ આંદ્રાડેના કહેવા મુજબ પાલિકાના આરોગ્ય ખાતાએ ચોથી લહેરનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે. જોકે કોવિડના કેસમાં વધારો થાય છે, તો હોસ્પિટલમાં પલંગની સંખ્યા ફરી વધારવામાં આવશે. પાલિકાના તમામ કોવિડ કેર સેન્ટરને પણ સ્ટેન્ડ બાય મોડ પર કરી દેવામાં આવ્યા છે.
હાલ મુંબઈ સહિત ભારતમાં કોવિડ નિયંત્રણમાં છે પરંતુ વિદેશમાં કેસ વધી રહ્યા હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈન્ફ્લૂએન્ઝા અને શ્ર્વાસ સંબંધી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની કોરોનાની ટેસ્ટ કરવાની અને જીનોમ સિકવેન્સિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેથી કરીને કોવિડના અન્ય સ્વરૂપને પણ સમયસર ઓળખી શકાય.
આ દરમિયાન પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ પાલિકાએ પોતાના 11 જંબો સેન્ટરમાંથી કોઈને પણ બંધ કર્યા નથી. તમામ સેન્ટરને સ્ટેન્ડ બાય મોડ પર રાખ્યા છે. અહીંથી કોઈ મેડિકલ ઉપકરણો કે અન્ય સાધનોને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા નથી. ઓક્સિજન પાઈપલાઈન સહિત તમામ સામાન એમ જ રાખવામાં આવ્યો છે. આવશ્યકતા પડે તો તમામ સેન્ટર આઠથી દસ દિવસમાં ફરી ચાલુ કરી દેવાશે. પાલિકા પાસે મોટી સંખ્યામાં દવાનો સ્ટોક છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસે જાહેર કર્યો આદેશ. હવે શહેરમાં આ તારીખ સુધી જમાવબંધી લાગુ. જાણો વિગતે
આ દરમિયાન સોમવારે કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે, જેમાં કોવિડ મહામારી ફરી ઉથલો મારે તો તેને લઈને તકેદારીના અને ઉપાયયોજના પર ચર્ચા કરવામાં આવવાની હોવાનું કહેવાય છે.