News Continuous Bureau | Mumbai
રસ્તાને પહોળો કરવાને આડે આવી રહેલા સાંતાક્રુઝના લગભગ 100 વર્ષ જૂના હનુમાન મંદિરને તોડી પાડવાની મુંબઈ મનપાએ નોટિસ આપી છે. પાલિકાની આ નોટિસ બાદ સ્થાનિક રહેવાસીઓ મંદિર બચાવવા શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાલિકાના અધિકારીના કહેવા મુજબ, નિયમ મુજબ મંદિરને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી.
વાકોલામાં આવેલું લગભગ 100 વર્ષ જૂનું પંચકોશીનું મંદિર છે. મંદિર બહુ જાણીતું હોઈ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. વાકોલામાં રસ્તા પર ટ્રાફિક જામની ભારે સમસ્યા રહેલી છે. તેથી અહીં રસ્તો પહોળો કરવાની પાલિકાએ યોજના બનાવી છે. રસ્તો પહોળો કરવાને આડે પંચકોશી હનુમાન મંદિર અડચણરૂપ બની રહ્યું હોવાથી પાલિકા તેને હટાવવા માંગે છે. જોકે હવે સ્થાનિક રહેવાસીઓની સાથે જ પોલિટિકલ પાર્ટીઓ પણ મંદિર બચાવવા માટે રસ્તા પર ઉતરી પડી છે.
મુંબઈ મનપાએ મંદિરને ડીમોલીશ કરવાની નોટિસ મોકલી છે. તેથી તેના વિરુદ્ધમાં રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મંદિરની બહાર લોકોના ટોળા જમા થઈ ગયા અને તેઓએ મહાઆરતી પણ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : કોન્ટ્રેક્ટરો પર ઇન્કમ ટેક્સની રેડ મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવવા માટે કારણ બનશે? મુંબઈમાં નાળાસફાઈના કામમાં વિલંબ… જાણો વિગતે
સ્થાનિક નાગરિકોની સાથે જ ભાજપના પણ સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ હવે આ વિવાદમાં કૂદકો માર્યો છે. શનિવારની મહાઆરતીમાં ભાજપના પણ અનેક સ્થાનિક નેતાઓ જોડાયા હતા અને મંદિર કોઈ હિસાબે તૂટવા નહીં દઈએ એવો દાવો કર્યો હતો. ભાજપ દ્વારા આ મંદિરને તૂટતા બચાવવા માટે પાલિકા કમિશનર ઈકબાલસિંહને પત્ર પણ લખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
પાલિકાના સ્થાનિક અધિકારીના કહેવા મુજબ અહીં રસ્તાને પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી તેને અડચણરૂપ આવેલા બાંધકામને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આ મંદિરનો પણ સમાવેશ થાય છે.