ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મુંબઈ માં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ પરદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે. યુકે, બ્રાઝિલ, યુરોપ, સાઉથ આફ્રિકા અને ધ મિડલ ઇસ્ટ થી આવતા પ્રવાસીઓએ હવે આ નવા નિયમોનું કડક પાલન કરવું પડશે.
બૃહદ મુંબઈ મહાનગરપાલિકા જાહેર કરેલા નવા નિયમ મુજબ પરદેશથી આવતા પેસેન્જરોને બીએમસી ના અધિકારીઓ તેમના ક્વૉરન્ટીન સમયગાળા દરમિયાન બે વખત તપાસ કરવા જશે. એરપોર્ટ તરફથી જાહેર કરાયેલા બહારગામથી આવનારા પ્રવાસીઓના લિસ્ટ મુજબ તે વોર્ડના અધિકારીઓ ક્વોરન્ટાઇન સેન્ટરમાં તપાસ કરવા જશે. ક્વોરન્ટાઇન સમયગાળાના બીજા અને છઠ્ઠા દિવસે અધિકારીઓ તેમને ચેક કરવા જશે અને તે અંગેનો રિપોર્ટ તેમણે તેમના ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા એડિશનલ મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે. તે ઉપરાંત બીએમસી ઓફિસરોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે કે જેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની બહાર ફરજ નિભાવશે. આ ઓફિસરોએ એરપોર્ટ થી બહાર આવનાર પેસેન્જરોને સુરક્ષિત રીતે બેસ્ટ ની બસમાં બેસાડી તેમને તેમના ક્વોરેન્ટાઇન સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. એરપોર્ટ થી ક્વોરન્ટાઇન સેન્ટર ની હોટલો સુધી બેસ્ટની ખાસ બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ડ્રાઇવરો નું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. પેસેન્જરોને તેમની ચોઈસ ની હોટલમાં પહોંચાડવાનું કામ બેસ્ટ ના બસ ડ્રાઈવર કરશે અને હોટલમાં પહોંચાડ્યા પછી તેનો રિપોર્ટ તેમણે બીએમસીના ઓફિસરોને કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, ઉપર જણાવવામાં આવેલા દેશોમાંથી આવનાર પ્રવાસીઓએ ક્વોરનટાઇન હોટલમાં સાત દિવસ સુધી ફરજિયાત રહેવું પડશે અને તેમનો કોવિડ 19 નેગેટિવ આવ્યા બાદ તેમણે બીજા સાત દિવસ સુધી ઘરમાં આઇસોલેશન માં રહેવું પડશે. જો આ કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવશે.
