ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈ પાલિકા રસીકરણની સમય મર્યાદા ચૂકી ગઈ છે. પાલિકાએ 31 ઓક્ટોબર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના 93 લાખ લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન હજી પણ તેના ટાર્ગેટથી થોડું દૂર છે. મુંબઈમાં 98 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે, માત્ર 2 ટકા લોકો જ બાકી છે. દરમિયાન, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 267 નવા દર્દીઓ મળી આવ્યા છે અને ચાર દર્દીના મોત થયા છે.
સોમવારે મુંબઈમાં 50330 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રસીકરણની કુલ સંખ્યા 1, 47,30,146 સુધી પહોંચી છે. જેમાંથી 91,31, 341 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને 55,98, 805 લોકોએ બંને ડોઝ લીધા છે. હજી મુંબઈમાં 33 ઇમારતો સીલ છે.
પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે તહેવારોને કારણે રસીકરણ ઝુંબેશ ધીમી પડી છે, કોરોનાનો પ્રકોપ ઓછો થયા બાદ લોકો રજાઓ ગાળવા માટે બહાર જઈ રહ્યા છે અને બધું ખુલ્લું છે, આવી સ્થિતિમાં રસીકરણને પ્રાધાન્ય આપવામાં આવતું નથી.