ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઓક્ટોબર, 2021
બુધવાર
રેલ્વે સ્ટેશનના 150 મીટરના પરિસરમાં સ્ટ્રીટ વેન્ડર્સને વેપાર કરવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમના પર કાર્યવાહી કરવી આવશ્યક છે. જો કે, દાદર રેલ્વે સ્ટેશનથી 150 મીટરના અંતરમાં ધંધો કરનારા ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે પાલિકાના અધિકારીઓ 300 મીટર દૂર બેસેલા ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને એક અલગ જ ચિત્ર ઉભું કરતા જોવા મળે છે.
રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તમામ પરપ્રાંતિય અને ભાડૂત ફેરિયા છે અને આગળ તમામ વિસ્તારોમાં સ્થાનિક રહેવાસી ફેરિયાઓનો વ્યવસાય છે, પરંતુ પરપ્રાંતિય ફેરિયાઓને અભય આપીને પાલિકાના અધિકારીઓ સ્થાનિક ફેરિયાઓને ડરાવી, ધમકાવતા જોવા મળે છે. કોવિડના સમયગાળા દરમિયાન ફેરિયાઓનો ધંધો નાદાર થઈ ગયો હોવાથી તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહી છે. BMCના G-North વિભાગના લાયસન્સિંગ વિભાગમાં વરિષ્ઠ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી દાદરમાં ફેરિયાઓ પરની કાર્યવાહી અટકી ગઈ છે.
છેલ્લા બે દિવસથી G-northના અધિકારીઓ ફેરિયાઓ પર કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં 150 મીટરની અંદરના હોકર્સ પર કાર્યવાહી કરવાને બદલે, રાનડે રોડ પર ડીસિલ્વા સ્કૂલના મેદાનમાં પ્રવેશદ્વાર નજીક વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ કરીને પાલિકા માત્ર કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહી છે કે? તેવો સવાલ સ્થાનિક ફેરીયાઓએ કર્યો છે.