ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એમાં પણ છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એથી કોરોના પૉઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને અથવા કોઈને પણ કોરોનાનાં લક્ષણો જણાય તો તુરંત કોવિડ ટેસ્ટ કરાવી લેવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. પાલિકાએ એ માટે મુંબઈમાં 250 જગ્યાએ RT-PCR અને ઍન્ટિજન ટેસ્ટ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. જે સંપૂર્ણપણે મફતમાં હશે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, છતાં તકેદારીના પગલારૂપે પાલિકા દ્વારા રોજનાં 30,000થી 35,000 કોરોનાનાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. એમાં જોકે છેલ્લા થોડા દિવસથી દેશમાં ડેલ્ટા પ્લસ સ્ટ્રેનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેલ્ટા પ્લસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી આ વેરિયન્ટ ભારત સહિત વિશ્વના 11 દેશોમાં ફેલાઈ ગયો છે. એથી પાલિકાએ તકેદારીના પગલારૂપે કોરાનાનાં ટેસ્ટિંગ વધારી દીધાં છે.
ટેસ્ટિંગ વધારવાની સાથે જ વેક્સિનેશન પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. છતાં વાયરસને જલદી ઓળખીને દર્દીને તાત્કાલિક સારવાર આપવાથી તેની રિકવરી પણ જલદી થાય છે તેમ જ અન્ય લોકોમાં ચેપ ફેલાવાનું પ્રમાણ પણ ઘટી શકે છે. ડેલ્ટા પ્લસ બહુ ઝડપથી ફેલાઈ રહેલો અને જોખમી વેરિયન્ટ હોવાનું નિષ્ણાતો કહી ચૂક્યા છે. એથી તેને વધુ ફેલાતો રોકવા પાલિકા પ્રયાસ કરી રહી છે.
પાલિકાએ મુંબઈમાં 250 જગ્યાએ કોરોનાનાં મફત ટેસ્ટિંગની સગવડ ઊભી કરી છે. એમાં પાલિકાનાં દવાખાનાં, હૉસ્પિટલ, કોવિડ કૅર સેન્ટર સહિત પાલિકાની વૉર્ડ ઑફિસમાં પણ ટેસ્ટિંગની સગવડ ઉપલબ્ધ રહેશે. પાલિકાની વેબસાઇટ અને દરેક વૉર્ડના કન્ટ્રોલ રૂમમાંથી પણ કોરોના ટેસ્ટિંગ સેન્ટરની માહિતી મળી શકશે.
ડેલ્ટા પ્લસનું સૌથી વધુ જોખમ સિનિયર સિટીઝન અને કૉ-મોર્બિલિટીવાળા દર્દીઓને છે. એમાં ખાસ કરીને ફેફસાં, હાર્ટ, લિવર, મૂત્રાશય, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર જેવી બીમારી ધરાવતા લોકોને વધુ જોખમ છે. ગર્ભવતી મહિલા તથા ડાયાલિસિસ કરાવતા અને કૅન્સરના દર્દીઓને પણ જોખમ વધુ છે. એથી કોરોનાને લગતા માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટિન્સિંગના નિયમનું પાલન કરવાની અપીલ પણ પાલિકાએ કરી છે.