ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતાં મુંબઈ મહાનગરપાલિકા પૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. ખાસ કરીને બીજી લહેર દરમિયાન દેશનાં અનેક રાજ્યોમાં ઑક્સિજનની તીવ્ર અછત સર્જાઈ હતી. અનેક દર્દીઓ ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા. તેથી મુંબઈમાં આવી પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે મુંબઈ પાલિકાએ ઑક્સિજન સપ્લાય માટે પૂરતી વ્યવસ્થા કરી લીધી છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 235 મૅટ્રિક ટન ઑક્સિજનની આવશ્યકતા જણાઈ હતી. આ તમામ ઑક્સિજનનો સ્ટૉક બહારથી લાવવો પડ્યો હતો. જોકે હવે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મુંબઈની કુલ ક્ષમતાના 50 ટકા ઑક્સિજનની ક્ષમતા મુંબઈએ હાંસલ કરી લીધી છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી 77 સ્થળે ઑક્સિજન ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, તો બે ઠેકાણે ઑક્સિજન રીફીલિંગ સેન્ટર અને સ્ટોરેજ સેન્ટરના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈની 50 ટકા ઑક્સિજનની ક્ષમતા પૂરી કરી શકશે.
પાલિકા પાસે હૉસ્પિટલ અને જમ્બો સેન્ટર છે. તેમાં હવે ત્રીજી લહેર પહેલાં વધુ ચાર સેન્ટરનાં કામ પૂરાં કરી નાખ્યાં છે. જેમાં મહાલક્ષ્મી, સાયન-ચૂનાભટ્ટી, મલાડ અને કાંજુરમાર્ગમાં પણ ચાર સ્થળે નવાં જમ્બો કોવિડ સેન્ટર ચાલુ થઈ રહ્યાં છે. મલાડ અને કાંજુરમાર્ગનાં કામ પૂરાં થવાની તૈયારીમાં છે. બાકીનાં જમ્બો સેન્ટરનાં કામ અંતિમ તબક્કામાં છે.