ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોવિડની બીજી લહેરને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. પરંતુ ભારે પ્રયાસ બાદ પણ છેવટે મુંબઈમાં પણ ઓમીક્રોનના બે કેસ આવી ગયા છે. તેથી ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ મનપા પ્રશાસને પોતાની તમામ આરોગ્ય યંત્રણાને વધુ સતર્ક કરી નાખી છે. હોસ્પિટલ સહિત કોવિડ જંબો કેર સેન્ટરમાં મળીને કુલ એક લાખ બેડની વ્યવસ્થા ઊભી કરી છે. ઓક્સિજન અને દવાનો પુરતો સ્ટોક કરવાની સાથે જ મેડિકલ સ્ટાફની સુવિધા પણ પાલિકાએ ઉપલબ્ધ કરી નાખી છે.
ઓમીક્રોનનો ચેપ ફેલાય નહીં તે માટે તકેદારીના પગલારૂપે એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ચેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. એ સાથે જ પહેલી ડિસેમ્બરથી જોખમી દેશમાંથી આવેલા પ્રવાસીઓને શોધીને તેમના કોરોનાના ટેસ્ટ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. પોઝિટિવ આવનારા તમામ લોકોને સેવન હિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમ જ તેમના જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો અગાઉ જ જોખમી દેશમાંથી આવેલા લોકોને શોધવાનું કામ પણ ચાલી રહ્યુ છે.
ક્વોરન્ટાઈન કરવા માટે અમુક હોટલો સાથે વાતચીત ચાલી રહી છે. આવશ્યકતા નિર્માણ થઈ તો પાલિકાના ક્વોરન્ટાઈન સેન્ટરની સાથે જ આ હોટલનો ઉપયોગ પણ ક્વોરન્ટાઈન માટે કરવામાં આવશે. જે લોકો પૈસા ભરીને હોટલમાં જવા માગતા હશે તેમને હોટલમાં ક્વોરન્ટાઈનની મંજૂરી આપવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેમાં કારણ વગર ટ્રેનની સાંકળ ખેંચવાના નોંધાયા આટલા ગુના, રેલવે પ્રશાસન ત્રસ્ત. જાણો વિગત
ઓમીક્રોનના જોખમને જોતા પાલિકા સંચાલિત તમામ હોસ્પિટલ, સરકારી સહિત બે ખાનગી હોસ્પિટલમાં ખાસ સગવડ ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં 30,000 બેડ ઉપલબ્ધ છે. એ સિવાય મુંબઈના જુદા જુદા કોવિડ સેન્ટરમાં 70,000 જેટલા બેડની તૈયારી પાલિકાએ કરી રાખી છે. એ સિવાય નાના બાળકોમાં ચેપનુ જોખમ વધારે છે, તેથી નાના બાળકો માટે ખાસ જમ્બો સેન્ટરમાં 1,500 બેડસ, ઓક્સિજન વેન્ટિલેટર વગેરેની તૈયારી રાખવામાં આવી છે. ઓક્સિજનની અછત ના વર્તાય તે માટે પાલિકા ખાસ વ્યવસ્થા કરી છે.
રાજ્ય સરાકરે પહેલા ધોરણથી સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ઓમીક્રોનના કેસને જોતા આગળ તેના પર ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે એવું પાલિકા પ્રશાસનનું કહેવું છે.