ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં છે. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાહત આપતી જાહેરાત કરશે એવી વેપારી આલમ સહિત સામાન્ય નાગરિકોને આશા હતી, પરંતુ હજી સુધી ન તો મુંબઈ મહાનગરપાલિકાએ કે ના રાજ્ય સરકારે કોઈ છૂટછાટની જાહેરાત કરી છે. એથી દિવસે ને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
એક તરફ કેન્દ્ર સરકાર કોરોનાના કેસ ઘટવાથી લોકોને રાહત આપવાની વાત કરી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા કોઈ જાહેરાત કરતી નથી. રાજ્યમાં ઠેરઠેર વેપારીઓ આંદોલન કરવાની ચીમકી આપી ચૂક્યા છે. છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. એમાં પાછું શનિવારે થાણે અને નવી મુંબઈ મહાનગરપાલિકાએ તેમની હદમાં કયા પ્રતિબંધો કાયમ રહેશે એની માર્ગદર્શિકા બહાર પાડી હતી. એથી મુંબઈ મહાનગરપાલિકા પણ પ્રતિબંધો હળવા કરવા સંદર્ભે કોઈ જાહેરાત કરશે એની શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી રાહ જોઈ હતી. પરંતુ પાલિકા તરફથી કોઈ જાહેરાત કરવામાં નહીં આવતાં મુંબઈમાં લેવલ થ્રી હેઠળના પ્રતિબંધો કાયમ રહેશે એવું માનવામાં આવે છે.
આ બાબતે મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક ઑથૉરિટીને તેમના વિસ્તારમાં કયા પ્રતિબંધો રાખવા, કયા હટાવવાનો નિર્ણય લેવાનો અધિકારી આપવામાં આવ્યો છે. જોકે આ વખતે અમે રાજ્ય સરકાર કહેશે એમ જ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર પ્રતિબંધોને લઈને માર્ગદર્શિકા બહાર પાડશે, અમે એને ફોલો કરીશું. પોતાની રીતે પાલિકા કોઈ માર્ગદર્શિકા બહાર પાડવાની નથી