News Continuous Bureau | Mumbai
નાની ઉંમરમાં જ બાળકો શેર માર્કેટ અને બેન્કિંગ નું જ્ઞાન મેળવે એ હેતુથી મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુંબઈ સ્ટોક એક્સચેન્જમાંથી શૅરમાર્કેટના પાઠ શીખવવામાં આવશે.
આગામી શૈક્ષણિક વર્ષથી આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓના કોર્સમાં આનો સમાવેશ કરવામાં આવશે. શૅરમાર્કેટના શિક્ષણનો લાભ પાલિકાની સ્કૂલોના લગભગ ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને મળશે.
આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.
પ્રથમ તબક્કામાં મુંબઈ સ્ટૉક એક્સચેન્જ દ્વારા બીએમસીની સ્કૂલોના ૧૦૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આ શિક્ષકો પછી વિદ્યાર્થીઓને નાણાંનું મહત્ત્વ, એનો યોગ્ય ઉપયોગ અને બચત આયોજન શીખવશે. એમાં બૅન્કોનું મહત્ત્વ, બૅન્કોની કામગીરી, રિઝર્વ બૅન્કની ભૂમિકા, શૅરબજાર, નાણાબજાર તેમ જ બચતની જરૂરિયાત, મહત્ત્વ અને યોગ્ય વિનિમયની માહિતી પણ આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેનાં પુસ્તકો અને અન્ય સિલેબસ તૈયાર થઈ રહ્યો છે. એ તૈયાર થઈ જતાં તરત જ એને અમલમાં મૂકવામાં આવશે. શિક્ષણમાં થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જેમા બાળકોને બેંકમાં અને શેર માર્કેટમાં વિઝિટ કરાવવી, બેંકમાં જઈને પૈસા ડિપોઝિટ કરવા માટે કેવી રીતે સ્લીપ ભરવી, ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય, એ માટેની પ્રોસેસ કેવી રીતે કરવી જેવું જ્ઞાન આપવામાં આવશે.