ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસમાં બાંધકામ તોડી પાડ્યા બાદ ચાલી રહેલી કાનૂની લડાઈ પાછળ મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક મુદ્દા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારી કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એને પગલે મુંબઈ મહાનગરપાલિકા પર શાસન કરનારી શિવસેનાએ તેનો બદલો લેવા માટે તેની ખારમાં આવેલી ઑફિસનું બાંધકામ તોડી પાડ્યું હોવાનો કંગનાએ આરોપ પણ કર્યો હતો. પાલિકાએ આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહીને નોટિસ આપીને એને તોડી પાડ્યું હતું. પાલિકાની આ કાર્યવાહીના વિરોધમા કંગનાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એને લગતો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટમાં કેસ લડી રહેલા વકીલની ફી પાછળ મુંબઈ પાલિકાએ 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. મુંબઈ પાલિકાએ વકીલની ફી પાછળ 82 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનું જાહેર થયા બાદ કંગનાએ તેના પર પણ ટીકા કરવામાં પાછળ નહોતી રહી.
તેણે તરત સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી કે “એક છોકરી પાછળ પરેશાન રહેલા પપ્પુના પાપા જનતાના પૈસા ખર્ચી રહ્યા છે. મહારાષ્ટ્ર આજે ક્યાં ઊભું છે? બહુ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય!”