ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈના રસ્તાઓ અને ફૂટપાથ પર ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓના પુનવર્સનની સમસ્યાનો હજી ઉકેલ આવ્યો નથી. ત્યાં હવે મુબઈમાં મોબાઈલ વેન પર ખાદ્ય પદાર્થ માટે “ફૂડ ઓન વ્હીલ”ની પોલીસી અમલમાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ પોલીસીની મંજૂરી આપી દીધી છે. તેથી મુંબઈમાં હવે ઠેર ઠેર રસ્તાઓ પર મોબાઈલ વેન પર ખાદ્યા પદાર્થ વેચાતા જોવા મળવાના છે.
પાલિકા કમિશનરને આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. તેને લગતી પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. પાલિકાએ તેને મંજૂરી માટે લો કમિટી સમક્ષ રાખ્યો છે, જે હેઠળ શહેરમાં 50 સ્થળોએ ફૂડ ટ્રક પર ખાદ્ય પદાર્થ વેચાતા જોવા મળશે.
પોલિસી મુજબ, 'ફૂડ ઓન વ્હીલ્સ'ની તર્જ પર આયોજિત ફૂડ ટ્રક માટેના સ્લોટને ટેન્ડર કરવામાં આવશે. ફૂડ ટ્રકને એક જગ્યાએથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે અને સમગ્ર શહેરમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એકવાર પોલિસી મંજૂર થઈ જાય પછી, BMC ટેન્ડરો ફ્લોટ કરશે અને ફૂડ ટ્રક ચલાવવા માટે બિડર પસંદ કરશે. કુલ સ્થાનોમાંથી લગભગ 25 કે 50% મહિલાઓના ગ્રુપને આપવામાં આવશે.
આ જગ્યાઓ 36 મહિના માટે ફાળવવામાં આવશે. યોજના મુજબ, ફૂડ ટ્રક સ્પોટ શહેરમાં પાર્ક,બગીચા, પ્રવાસી સ્થળો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ નજીક હોઈ શકે છે. ટ્રક માટેનું સ્થાન હાલની રેસ્ટોરાંથી ઓછામાં ઓછું 200 ફૂટનું હોવું જોઈએ અને બે ટ્રક વચ્ચે ઓછામાં ઓછું 15 ફૂટનું અંતર હોવું જોઈએ. એકવાર સ્થાનો ફાઇનલ થઈ ગયા પછી, નાગરિકો 15 દિવસ માટે સ્થાન માટે સૂચનો અને વાંધાઓ મોકલી શકે છે.
'ફૂડ ઓન વ્હીલ્સ' દ્વારા સંતુલિત અને પૌષ્ટિક ખોરાકના વેચાણ પર ભાર મૂકવામાં આવશે એવું પાલિકાની પોલીસીમાં છે. ફૂડ ટ્રકના માલિકો ટ્રકની અંદર એલપીજી, માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક કૂકિંગ યુનિટનો ઉપયોગ કરી શકશે. મુંબઈ ફાયર બ્રિગેડ, BMCના આરોગ્ય વિભાગ અને દુકાન અને સ્થાપના વિભાગના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને ડ્રાઇવરો માટે રાજ્ય પરિવહન નિગમની પરવાનગી ફરજિયાત રહેશે.