ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં 14 ટકા પ્રૉપર્ટી ટૅક્સ વધારવાનો નિર્ણય લીધો છે. પ્રૉપર્ટી ટૅક્સ વધારવાના મુંબઈ મનપાના પ્રસ્તાવનો ભાજપ અને કૉન્ગેસે વિરોધ કર્યો છે. એમાં હવે શિવસેના પણ મેદાનમાં કૂદી પડી છે. મુંબઈ BMCની આગામી વર્ષે ચૂંટણી થવાની છે, એથી મતદારોને નારાજ કરવા પરવડશે નહીં એની ચિંતા હવે સત્તાધારી પાર્ટીને થઈ છે. એથી મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મુંબઈ મનપા પ્રશાસનને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી હોવાનું કહેવાય છે કે અમને પૂછ્યા વગર કોઈ કરવેરા વધારતા નહીં.
પાલિકા પ્રૉપર્ટી ટૅક્સની વસૂલી એપ્રિલ 2021ના સુધારિત રેડીરેકનર દર મુજબ કરવાનો પ્રસ્તાવ લાવી છે, જેમાં 14 ટકા સુધીનો વધારો અપેક્ષિત છે. આ પ્રસ્તાવ સામે અન્ય પક્ષોના વિરોધ બાદ પાછળ રહી ગયેલી શિવસેના પણ હવે પ્રશાસનના વિરોધમાં ઊઠી છે. મેયરે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનો કરવેરો વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરતાં પહેલાં પ્રશાસને અમારી સાથે ચર્ચા કરી નહોતી. કોરોના મહામારીને પગલે લોકો આર્થિક ભીંસમાં છે ત્યારે તેમના પર વધુ બોજો નાખવો જોઈએ નહીં. ચર્ચા કર્યા વગર પ્રસ્તાવ લાવનારા પ્રશાસન પાસે અમે ખુલાસો માગ્યો છે. કોઈ પ્રકારનો કરવેરો અમે વધવા દઈશું નહીં.