ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
દર વર્ષની માફક આ વર્ષે જ પણ ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય નહીં તે માટે મુંબઈ મહાગનરપાલિકા સજ્જ થઈ ગઈ છે. મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલી નાની-મોટી ગટરો, નાળા અને વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન સફાઈ કરવામાં આવવાની છે. તે માટે પાલિકાએ 150 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે.
મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા 100 ટકા નાળાસફાઈનો દાવો કરવામાં આવે છે. નાળા સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં મુંબઈ થોડા વરસાદમાં જળબંબાકાર થઈ જતું હોય છે. હવે ચોમાસાના આગમનને ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે પાલિકા નાની, મોટી ગટરો અને નાળા સાફ કરાવવાની છે.
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મીઠી નદીના પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ તેનો પ્લાન બોર્ડને રજૂ કર્યો છે. એ પ્રમાણે સફાઈનું કામ નહીં કર્યું તો પાલિકાને દંડ ફટકારવામાં આવવાનો છે. તેથી સમય પહેલા પાલિકાએ સફાઈનું કામ પૂરું કરવાનું છે.
રેલવે પરિસરમાં ધુમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન, પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ… જાણો વિગત
નાળાસફાઈનું પહેલા તબક્કાનું કામ ચોમાસા પહેલાનું હોઈ તે 31 મે,2022 સુધી પૂરું કરવાનું છે, જેમાં વાર્ષિક 75 ટકા ગાળ કાઢવામાં આવશે. બીજા તબક્કામાં ચોમાસામાં એટલે પહેલી જૂનથી કામ ચાલુ થઈને 30 સપ્ટેમ્બરના પૂરું થશે. તેમાં 15 ટકા ગાળ કાઢવામાં આવશે. ત્રીજા તબક્કામાં પહેલી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2022 સુધી કામ ચાલશે, જેમાં બાકીનું 10 ટકા ગાળ કાઢવામાં આવશે.
દાદર, એલ્ફિન્સ્ટન, પરેલ, માટુંગામાં 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોલાબા, સેન્ડહર્સ્ટ રોડ, મરીન લાઈન્સ, ગ્રાન્ટ રોડ, ભાયખલામાં બે કરોડ 71 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ચેમ્બુર(પૂર્વ) અને (પશ્ચિમ)માં 17 કરોડ 79 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મુલુંડમાં 9 કરોડ 46 લાખ રૂપિયા, પશ્ચિમ ઉપનગરમાં ખાર, બાંદ્રા, અંધેરી (પૂર્વ) અને (પશ્ચિમ), ગોરેગામ, મલાડ, કાંદિવલી, દહિસર માટે 86 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.