ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈમાં ગરબા અને દાંડિયા રમવા પર તો મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ બનાવનારા તથા ભક્તોએ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તેમનું આવી બનશે એવી ચોખ્ખા શબ્દોમાં મુંબઈ પાલિકાએ ચેતવણી આપી છે.
મુંબઈ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ કાળેએ હાલમાં જ સાર્વજિનક મંડળો, મૂર્તિ બનાવતા કલાકારો તથા ભક્તોનાં મંડળો સાથે એક બેઠક કરી હતી. એમાં પર્યાવરણને અનુરૂપ નવરાત્રીની ઉજવણી પર ભાર આપવામાં આવ્યો હતો. પ્લાસ્ટર ઑફ પૅરિસને બદલે શાઢુની માટીની બનેલી મૂર્તિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તહેવાર દરમિયાન મંડપમાં સજાવટ માટે ફૂલ, હારનો વધુ ઉપયોગ કરવાની સૂચના કરવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૂર્તિઓને પેઇન્ટિંગ અને સજાવટમાં પર્યાવરણને અનુરૂપ કલર વાપરવાનું કહેવામાં આવ્યું છે. જો મૂર્તિ પર્યાવરણપૂરક નહીં હોય તો મૂર્તિકારે ડિપોઝિટ કરેલી રકમ જપ્ત કરી લેવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાના અધિકારીએ આપી હતી.