ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
કોરોનાની ત્રીજી વેવની શક્યતાને પગલે BMC ફરી એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોરોનાને નિયંત્રણમાં રાખવા માસ્ક પહેરવું આવશ્યક છે. એથી પાલિકા ફરી એક વખત માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચાલુ કરવાની છે.
મુંબઈમાં કોરોનાનું જોર ધીમે-ધીમે ઓસરી રહી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શુક્રવારે મુંબઈમાં કોરોના નવા 1,416 કેસ નોંધાયા હતા, તો 54 મૃત્યુ થયાં હતાં.જોકે સંપૂર્ણ રીતે કોરોનાની બીજી લહેર હજી સુધી નિયંત્રણમાં આવી નથી. એમાં પાછું કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નિષ્ણાતોએ વ્યકત કરી છે.
કોરાનાની બીજી લહેરમાંથી માંડ બેઠી થઈ રહેલી BMC હવે ગાફેલ રહેવા માગતી નથી. BMC કમિશનર ઇકલાબસિંહ ચહલના કહેવા મુજબ માસ્ક નહીં પહેરનારા સામે ઍક્શન લેવાનું ચાલુ જ છે. જોકે કેસ ઓછા થવાની સાથે જ લોકો માસ્ક પહેરવાનું બંધ કરી નાખે છે. એથી પાલિકા ફરી એક વખત માસ્ક નહીં પહેરનાર વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચાલુ કરવાની છે અને આવા લોકો સામે આકરાં પગલાં લેવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ ઍક્શન લેવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 27 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 55 કરોડ રૂપિયાનો દંડ માસ્ક નહીં પહેરનારા પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.