ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
BMCએ એવા લોકોની શોધ કરવાનું શરૂ કરી દીધું છે. જેમણે કોરોના વેક્સીનનો એક જ ડોઝ લીધો છે. આ ક્રમમાં જ્યારે રસીકરણની યાદીની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લગભગ ત્રણ લાખ લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. હવે આ લોકોને પૂછપરછ માટે કૉલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BMCના 24 વોર્ડ લેવલના વોર રૂમને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે. ગયા વર્ષે વોર રૂમને કોવિડ સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવા અને ડેટાને સરળ કરવાનું કામ અપાયું હતું.
વોર રૂમને આગામી 10 દિવસમાં મુંબઈમાં રસીકરણની યાદી જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વોર રૂમમાંથી કોવિડ રસીનો પહેલો શોટ લીધા બાદ જે લોકો બીજા શોટ માટે આવ્યા નથી તેમને કૉલ કરવામાં આવશે. BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે અમને કોવિન પોર્ટલ પરથી ત્રણ લાખથી વધુ નામ મળ્યા છે. જેમણે એક જ ડોઝ લીધો છે. આ બધા સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં આવી છે. તેમને પૂછવામાં આવશે કે બીજો ડોઝ કેમ ન લીધો. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે યાદીમાં 3.84 લાખ નામ છે.
રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવાની યોજના બનાવતા BMCના એડિશનલ કમિશનરે કહ્યું હતું કે અમારો ટાર્ગેટ શહેરમાં ફૂલ વેક્સિનેશન પૂર્ણ કરવાનો છે. શહેરમાં 500 જેટલા રસીકરણ કેન્દ્રો પર અત્યાર સુધીમાં 1.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 91.5 લાખ ફર્સ્ટ ડોઝ અને 56.4 લાખ સેકન્ડ ડોઝ અપાયા છે. જેમણે રસી લીધી છે તેમના વિશે સંપૂર્ણ માહિતી લેવામાં આવશે. તે જોવામાં આવશે કે રસી લેનારાઓમાં 99.1 ટકા મુંબઈ શહેરના જ છે કે આસપાસના મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો પણ તેમાં સામેલ છે. BMCના જાહેર આરોગ્ય અધિકારીઓ માને છે કે મુંબઈમાં પ્રથમ શૉટ લેનારા 91.5 લાખ લોકોમાંથી 10થી 20 ટકા લોકો શહેરની બહારના હોઈ શકે છે. એક ડોક્ટરે જણાવ્યું હતું કે મુંબઈમાં ઘણી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અન્ય શહેરમાં રહે છે. આ લોકોએ મુંબઈમાં રસી લીધી છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિયમ છે કે લોકો ભારતમાં ગમે ત્યાં રસી લઈ શકે છે.