ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં અચાનક જ કોરોના કેસમાં વધારો થયો છે. લગભગ અઠવાડિયામાં જ કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. તેથી મુંબઈમાં શું કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે? શું મુંબઈમાં ત્રીજી લહેરનું આગમન માટે કોરોનાનો વેરિયન્ટ ઓમીક્રોન જવાબદાર છે? આ બધા સવાલના જવાબ જાણવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાના તમામ દર્દીના જિનોમ સિક્વેન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ મુંબઈમાં ૨૧થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળામાં જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, તે તમામ દર્દીના જીનોમ સિક્વેન્સિંગ કરાશે. તે માટે તેમના સ્વેબ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. 15 ડિસેમ્બર સુધી કોરોના દર્દીની સંખ્યા ૨૦૦ની આસપાસ હતી. પરંતુ અચાનક અઠવાડિયામાં જ કોરોનાના કેસ ૯૦૦ની ઉપર થઈ ગયા છે. અચાનક કેસ વધી જવાથી પાલિકા પ્રશાસન ચિંતિત થઈ ગઈ છે. જોકે પાલિકાના દાવા મુજબ ડિસેમ્બરમાં વિદેશથી મોટા પ્રમાણમાં લોકો મુંબઈ આવતા હોય છે. તેથી આ સમયગાળામાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થશે એવો અંદાજો હતો. છતાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે, તે માટે ઓમીક્રોન તો જવાબદાર નથી તેનું ચોક્કસ કારણ જાણવું જરૂરી હોવાથી દરેક કોરોના દર્દીના જિનોમ સિક્વેન્સિંગ કરવાની હોવાનું સુરેશ કાકાણીએ કહ્યું હતુ.
વાહ ! પુસ્તકો વાંચવાના શોખીનો માટે મુંબઈની પહેલી ઈ-લાઈબ્રેરી શરૂ થઈ આ વિસ્તારમાં; જાણો વિગત
મુંબઈમાં સોમવાર સુધી 4,000 કોરોનાના દર્દીના સ્વેબ પુણેની લૅબોરેટરીમાં અને પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલી દીધા છે. અહેવાલ આવ્યા બાદ મુંબઈમાં ઓમીક્રોનના વિષાણુ તો ફેલાઈ નથી ગયા તે જાણી શકાશે.