ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. વધતાં વાહનોની સંખ્યા સામે ફ્લાયઓવર પણ જૂના અને જોખમી થઈ ગયા છે. એથી મુંબઈ મનપાએ 100 વર્ષથી પણ વધુ જૂના પુલોને તોડી પાડીને એની જગ્યાએ નવા કૅબલ સ્ટૅન્ડ પુલ બાંધવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈમાં 12 પુલને તોડી પાડીને એની જગ્યાએ આ નવા પુલ બાંધવામાં આવવાના છે. એ માટે મુંબઈ મહાનગરપાલિકા લગભગ 1,775 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને રેલવે આ પુલ બાંધશે. આ પુલના કામ 2022ની સાલથી તબક્કાવાર કરવામાં આવશે. 2025 સુધી પુલનાં કામ પૂરાં કરવાનો લક્ષ્યાંક હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. મોટા ભાગના પુલ બ્રિટિશકાળના હોવાથી સ્ટ્રક્ચર ઑડિટમાં એને નવેસરથી બાંધવાની ભલામણ કરવામાં આવી હતી.
વાહ! હવે ઘેરબેઠાં મેળવો બેસ્ટની બસની ટિકિટ, છુટ્ટા પૈસાની મગજમારીથી છુટકારો થશે; જાણો વિગત
પાલિકાના જણાવ્યા મુજબ રે રોડ પુલ માટે 175 કરોડ, દાદરના ટિળક પુલ માટે 375 કરોડ, ભાયખલા પુલ માટે 200 કરોડ, ઘાટકોપર પુલ માટે 200 કરોડ, બેલાસીસ મુંબઈ સેન્ટ્રલ પુલ માટે 150 કરોડ, આર્થર રોડ પુલ માટે 250 કરોડ, સેન્ટ મેરી-મઝગાંવ માટે 75 કરોડ, કરી રોડ પુલ માટે 50 કરોડ, માટુંગા પુલ માટે 50 કરોડ, એસ બ્રિજ ભાયખલા માટે 50 કરોડ, લોઅર પરેલ પુલ માટે 100 કરોડ અને મહાલક્ષ્મી પુલ માટે 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે.