ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ગોરેગામ (પૂર્વ)ની આરે કૉલોનીમાં આવેલા દિનકર દેસાઈ માર્ગને સિમેન્ટ-કોંક્રીટનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની પાછળ મુંબઈ મહાનગરપાલિકા 46 કરોડ 75 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
આરે કૉલોનીમાં આવેલા 7.2 કિલોમીટરનો આ માર્ગ હવે પાલિકાના અખત્યાર હેઠળ આવી ગયો છે. અગાઉ આરે પ્રશાસન પાસે આ રસ્તો હતો. રસ્તાની હાલત રહેતી બહુ જ ખરાબ હતી, છતાં લોકો પાસેથી ટૉલ વસૂલાતો હતો. એથી ટૉલ હટાવવા માટે 2014ની સાલમાં મોટા પાયા પર આંદોલન થયાં હતાં. એથી ટૉલ હટાવી લેવામાં આવ્યો હતો. બાદમાં આ રસ્તો પાલિકાને સોંપવામાં આવ્યો હતો. હવે આ રસ્તાને સિમેન્ટ-કોંક્રીટનો બનાવવામાં આવવાનો છે. એથી આ રસ્તાની હાલત સુધરશે એવું માનવામાં આવે છે.
પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને આરે કૉલોનીનો આ રસ્તો જોડે છે. આ રસ્તાનો મોટા પ્રમાણમાં વાહનચાલકો ઉપયોગ કરે છે. અહીં ભારે ટ્રાફિક પણ રહેતો હોય છે. વરસાદ દરમિયાન જોકે રસ્તા પર પડતા ખાડાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે જોકે સિમેન્ટ-કોંક્રીટકરણના કારણે વાહનચાલકો માટે પ્રવાસ કરવો સરળ થશે.