ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈના પશ્ચિમ પરાના બોરીવલીમાં કોરા કેન્દ્ર ફ્લાયઓવર (પૂર્વ અને પશ્ચિમને જોડનારા)ના કામને લઈને શરૂઆતથી જ વિવાદ રહ્યો છે. હવે મુંબઈ મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરના વધારાના કામ માટે ટેન્ડર બહાર નહીં પાડતાં બારોબાર જ આ કામ મૂળ કૉન્ટ્રૅક્ટરને આપી દેવાનો નિર્ણય લીધો છે. એ માટે પાલિકા કૉન્ટ્રૅક્ટરને 360 કરોડ 37 લાખ રૂપિયા ચૂકવવાની છે. આ પહેલાં પણ ફ્લાયઓવરના વિસ્તારીકરણના કામ માટે કૉન્ટ્રૅક્ટરને 113 કરોડ 16 લાખ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષના ભારે વિરોધને પગલે જોકે સત્તાધારી પાર્ટી અને પાલિકા પ્રશાસને એવો દાવો કર્યો છે કે મૂળ કૉન્ટ્રૅક્ટરને જ આ કૉન્ટ્રૅક્ટ આપવાથી 63 કરોડ રૂપિયા બચી જશે.
બોરીવલી (પશ્ચિમ)માં કોરા કેન્દ્ર પાસે એસ. વી. રોડ પર રહેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કલ્પના ચોક સુધી નવો ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો. નવેમ્બર 2018માં એનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં કામ પૂરું કરવાની શરત રાખવામાં આવી હતી. આ દરમિયાન પુલના વિસ્તારીકરણના કામ માટે 121 કરોડ 73 લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હતો. એ ટેન્ડર પ્રક્રિયામાં 7.04 ટકા ઓછા દરે કામ કરવાની તૈયારી કૉન્ટ્રૅક્ટરે દર્શાવતાં તેને 113.16 કરોડ રૂપિયામાં કામ આપવામાં આવ્યું હતું. હવે આ ફ્લાયઓવરમાં વધારાનું કામ આવી ગયું છે. એ માટે 360 કરોડ 37 લાખ રૂપિયાના વધારાનો ખર્ચ અપેક્ષિત છે. એથી આ વધારાનું કામ પણ મૂળ કૉન્ટ્રૅક્ટરને જ આપવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.
કમાલ છે! અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ચાર વર્ષમાં જ પડી તિરાડો, VJTI આપશે ટેક્નિકલ સલાહ; જાણો વિગત
એક ફ્લાયઓવરના કામ માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરવાથી ખર્ચ વધી શકે છે. એથી હાલ પુલના વિસ્તારીકરણનું કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરને જ વધારાનું કામ આપવું. એથી પાલિકાના 63 કરોડ રૂપિયા બચી જશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.