ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
મુંબઈમાં તાઉતે વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશયી થઈ ગયાં હતાં. વૃક્ષોની છટણી કરવા માટે BMCએ સમયસર કૉન્ટ્રૅક્ટર નીમ્યો નહોતો. BMCની આ બેદરકારીને પગલે મુંબઈના રસ્તા પર હજી પણ ઠેરઠેર વૃક્ષો પડી રહ્યાં છે, ત્યારે ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળાં મારે તેમ હવે વૃક્ષોની છટણી કરવા માટે BMC 23 કરોડ રૂપિયાના ખર્ચે કૉન્ટ્રૅક્ટર નીમવાની છે
ચોમાસાના ચાર મહિનામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ વધી જતા હોય છે. એથી વરસાદ પડે એ અગાઉ જ BMC મુંબઈનાં જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરતી હોય છે અને પ્રાઇવેટ હાઉસિંગ સોસાયટીઓને ફી ભરીને BMC પાસેથી જોખમી વૃક્ષો કાપવા માટે મંજૂરી લેવાની હોય છે. જોકે BMCએ સમયસર એ માટે કૉન્ટ્રૅક્ટર નીમ્યો નહીં. એનું પરિણામ મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં જોવા મળ્યું છે.
મુંબઈમાં તાઉતે વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષોનો ખુરદો બોલાવી નાખ્યો હતો. BMC મુંબઈના જુદા-જુદા એરિયામાં રહેલાં જોખમી વૃક્ષોનુ ટ્રિમિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈના મોટા ભાગના રસ્તાઓ પર વૃક્ષો તથા વૃક્ષોની ડાળખીઓ તૂટીને પડી રહી છે. આ વૃક્ષોને ઉપાડવા માટે BMC પાસે કોઈ માણસ નથી. હવે રહી રહીને BMC એ માટે કૉન્ટ્રૅક્ટર નીમવાની છે. એ માટે લગભગ 23 કરોડ રૂપિયાનો ખર્ચ BMC કરવાની છે.
આજે BMCમાં ટ્રી ઑથૉરિટીની મિટિંગ થવાની છે. આ બાબતે માર્ચમાં મિટિંગ થઈ હતી, પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો. હવે આજની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરીને 23 કરોડ રૂપિયાનો વૃક્ષો કાપવા માટે કૉન્ટ્રૅક્ટર નીમવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે એવી શક્યતા છે.